અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને 8 આતંકવાદીઓની ધરપકડ કરી છે. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને માત્ર 13 દિવસ જ બાકી રહ્યાં છે, તે પહેલા ત્રણ જુલાઈના રોજ ગુજરાત એટીએસે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. આ આતંકીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક સક્રિય કરવા માટે કામ કરી રહ્યાં હતાં. જો કે, તેમના ઈરાદા સફળ થાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
પાકિસ્તાનના હેન્ડલરના આદેશ કામ થયું હતું
એટીએસે કુલ પાંચ ટીમો બનાવીને બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશથી 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ તમામ આતંકીઓને પાકિસ્તાનના હેન્ડલરના આદેશ પર કામ કરતા હોવાનું પણ એટીએસની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. આ આતંકવાદીઓને કડી કોર્ટમાં રજૂ કરવામા આવ્યાં હતાં. કોર્ટે કુલ 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ આતંકીઓ મસૂદ અઝહરથી પ્રભાવિત હતા
આ આતંકવાદીઓ પાસેથી મોબાઇલ ફોન, પત્રો સહિતનું સાહિત્ય મળી આવ્યું છે. મસૂદ અઝહરથી આતંકીઓ પ્રભાવિત હતા અને તેના ઘણા વીડિયો પણ આતંકીઓ જોતા હતા. અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર હોય તેવું પણ લાગી રહ્યું છે. રથયાત્રામાં કોઈ પ્રવૃતિ અને રેકી અંગે કોઈ માહિતી મળી નથી. આ આતંકીઓએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) માટે ગુજરાતમાં "દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ” નામની તન્જીમ બનાવી હતી. એટલું જ નહીં પરંતુ જૈશ-એ-મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું હતું
આ ષડયંત્ર માટે આશરે 3 લાખ રૂપિયાનું ફંડ મળતું
આ આંતકીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક સક્રિય કરવાનું કામ કરી રહ્યાં હતાં. આના માટે તેમને આશરે 3 લાખ રૂપિયાનું ફંડ પણ મળ્યં હતું. આ સાથે દેશવિરોધી કૃત્યો અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરી તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યા હતા. જો કે, ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓના આ તમામ ઈરાદાને નાબૂદ કરી નાખ્યાં છે અને હવે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.