Thu Jun 18 2026

Logo

`કોઈ પણ ટીમ સુરક્ષિત નથી'...આઇપીએલના પ્લે-ઑફ વિશે મોહમ્મદ કૈફે `હાઇ અલર્ટ' જાહેર કર્યું

2026-05-13 16:11:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ મંગળવારે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 82 રનથી હરાવીને આઇપીએલની 19મી સીઝનના પ્લે-ઑફમાં લગભગ પહોંચી જ ગઈ છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ (KAIF)ના મતે ટૉપ-ફોરની ચારમાંથી એકેય ટીમ હજી પોતાને સુરક્ષિત નહીં માનતી હોય.

ગુજરાત મંગળવારે સતત પાંચમી અને કુલ આઠમી જીત સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં 16 પૉઇન્ટ બદલ મોખરે થઈ જનારી પ્રથમ ટીમ બની હતી અને એ સાથે પ્લે-ઑફ માટેની, ટૉપ-ફોરમાં રહેવા માટેની તેમ જ ટૉપ-ટૂમાં રહેવા માટેની દોડ વધુ તીવ્ર બની ગઈ છે.

ગુજરાતની ટીમ 20 ઓવરમાં 5/168ના સ્કોર સુધી મર્યાદિત રહી હતી છતાં છેવટે એનો વિજય થયો હતો. કારણ એ હતું કે હૈદરાબાદની ટીમ એના સૌથી નીચા 86 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅગિસો રબાડા અને મોહમ્મદ સિરાજે ભેગા મળીને પાવરપ્લેની છ ઓવરમાં હૈદરાબાદની ચાર વિકેટ લઈ લેતાં આ પાવરહાઉસ જેવી ટીમની કમર ભાંગી ગઈ હતી અને ફરી ક્યારેય બેઠી નહોતી થઈ શકી.

મોહમ્મદ કૈફે એક જાણીતી ઍપને કહ્યું, `સત્તાવાર રીતે ગુજરાતની ટીમ પ્લે-ઑફ માટે ક્વૉલિફાય થઈ જશે. ગુજરાતની આગામી મૅચ કોલકાતા સામે છે. કોલકાતાની ટીમ હજી કુલ 10 મૅચ રમી છે અને બહુ સારા ફૉર્મમાં છે. એને તેમ જ ચેન્નઈને ઓછી ન આંકવી જોઈએ. આવનારા થોડા જ દિવસમાં ટૉપ-ફોરમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પ્રથમ નંબરની ગુજરાતની ટીમ પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકે, પરંતુ બીજા તેમ જ ત્રીજા અને ચોથા નંબર પર છેલ્લે કોણ રહેશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે.