Mon May 25 2026

Logo

જળગાંવમાં દલા તરવાડીનું રાજ પર્દાફાશ થયું... પ્રવીણ ગેદામને પ્રતાપે...

2026-03-04 14:44:32
Author: Mumbai Samachar Team
Article Image

પ્રફુલ શાહ

હકીકતમાં જળગાંવ ઘરકુલ કૌભાંડ બહુ વ્યવસ્થિતપણે ચાલતું રહ્યું હોત. કદાચ ક્યારેય ન પકડાયું હોત. બધા ગેરકાયદે લાભાર્થીઓના મોઢા, હાથ અને જીભ પર રોકડાના વજન મૂકી દેવાયા હોવા જોઇએ નહીંતર કંઇ બધેબધા મોઢું સીવી લે ખરા? અદલ દલા તરવાડીનું રાજ જોઇ લો. યાદ છે ને ‘રીંગણા લઉ બે-ચાર’નો જવાબ હતો ‘લેને દસ-બાર’.

એ સમયે જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રાજકારણી સુરેશદાદા જૈનનું વર્ચસ્વ હતું. ટેન્ડર પ્રક્રિયામાં અનેક જરૂરી નિયમોની અવગણના કરાઇ અને આ કોન્ટ્રેક્ટ અપાયો ખાનદેશ બિલ્ડર્સને. એકવાર પોતાને ટેન્ડર મળી ગયા બાદ ખાનદેસ બિલ્ડર્સવાળા સક્રિય થઇ ગયા. સૌથી પહેલાં ‘હુડકો’ (હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) પાસેથી લોન લીધી  રૂ. 110 કરોડની. જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ બિલ્ડરને રૂ. 11.54 કરોડની લોન આપી, કોઇ જાતના વ્યાજ વગર.

નાણાકીય વ્યવસ્થા થઇ જાય એટલે બાંધકામ ધડાધડ શરૂ થવા જોઇએ. જોકે નિષ્ઠા અને બિલારી કાચની મદદથી આ યોજનાનું નિરીક્ષણ થયું હોત તો ઘણી અનિયમિતતા સામે આવી હોત. આ ગૃહનિર્માણ યોજના માટેની જમીન જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની હતી. અમુક જમીન સરકારની હતી, તો અમુક ભાગ ખાનગી માલિકોનો હતો. શું આ જમીન પર ઘર બાંધવા માટે કોઇ કરાર થયા હતા ખરા? કદાચ પ્રોજેક્ટ પૂરો થયો હોત તો ભવિષ્યમાં કાનૂની ગૂંચવણ થવાની પૂરેપૂરી શકયતા હતી.

ખેર, બબ્બે તોતિંગ લોન અપાયા બાદ નિયત સમયે પ્રોજેક્ટ પૂરો ન થયો. પછી શું કર્યું? જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશને બિલ્ડરની મુદ્દત વધારી આપી! આ બધાનું પરિણામ શું આવ્યું? ખાનદેશ બિલ્ડર્સને પાંચ હજાર ઘર બાંધવાની જવાબદારી અપાઇ હતી. જેમાંથી ફકત 1500 ઘર બંધાયા. આવું કેમ?

આ જળગાંવ ઘરકુલ પ્રોજેક્ટમાં ગોબાચારી થયાનું મળી આવ્યું, અને પર્દાફાશ પણ થયો. જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર અને આઇ.એસ.એસ. ઓફિસર પ્રવીણ ગેદામે સૌને આંચકો આપ્યો. પ્રવીણભાઇએ ખાનદેશ બિલ્ડર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. આમાં મુખ્ય આરોપી તરીકે મોટાં નામો હતાં. ભાજપના-શિવસેનાની સરકારના શિવસેનાના પ્રધાન સુરેશદાદા જૈન અને વિધાન પરિષદના સભ્ય ગુલાબરાવ દેવકર. આ દેવકર એ સમયે કોર્પોરેશનમાં સભ્ય હતા, પછી તેમણે રાજયમાં પ્રધાનપદ પણ મેળવ્યું હતું.

પોલીસમાં ફરિયાદ કરાઇ હતી કે આ ટેન્ડર મેળવવા માટે બનાવટી દસ્તાવેજો સુપરત કરાયા હતા. આ બદલ ખાનદેશ બિલ્ડર્સ ઉપરાંત અન્ય 91 જણા વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો.

ગેદામની ફરિયાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘણાં ઘટસ્ફોટ થયા. એવું બહાર આવ્યુ કે જૈન, દેવકર અને ખાનદેશ બિલ્ડર્સના ચાવીરૂપ અધિકારીઓ હાઉસિંગ પ્રોજેક્ટ સંબંધી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા. અંતે આ બધા વિરુદ્ધ આરોપો ઘડાયા હતા.

અને જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશન (જે.એમ.સી.)ની કમાલની કામગીરી પણ જાણવા જેવી ખરી હોં. કોર્પોરેશને વિવિધ કોન્ટ્રાક્ટર્સને આગોતરી ચુકવણી  (એડવાન્સડ્ પેમેન્ટ) રૂપે રૂ. 46 કરોડ ચુકવી દીધા હતા. ગમે તેવા અભણને ય સમજાઇ જાય કે જે. એમ. સી. એ આ બિલ્ડર માટે લાલ જાજમ બિછાવી હતી. વધુ પડતી સવલતો કંઇ સાવ અમસ્તી ન મળે. એટલે જ તો પાંચ-પાંચ વર્ષ સુધી કોઇ પરિણામ ન દેખાવા છતાં જે. એમ. સી. એ. એ કોન્ટ્રાકટર્સ વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી નહોતી.

આપણું વ્યવસ્થા તંત્ર ગજબનાક છે. જળગાંવ ઘરકુળ કૌભાંડની તપાસ પૂરી થવામાં સાત વર્ષનો સમય લાગી ગયો. આમાં સૌથી ચોંકાવનારી બાબત એ બહાર આવી કે ખાનદેશ બિલ્ડર્સને અપાયેલી રકમ અયોગ્ય પણે અલગ અલગ કંપનીઓમાં ટ્રાન્સફર કરાઇ હતી અને આ બધી કંપનીની માલિકી અને અકુંશ કોણ ધરાવતા હતા? સુરેશ જૈન અને એમનો પરિવાર!

સુરેશદાદા જૈન તરીકે ઓળખાતા આ રાજકારણીનું પૂરું નામ સુરેશકુમાર ભીકમચંદ જૈન તેઓ કૉંગ્રેસ, નેશનલ કૉંગ્રેસ પાર્ટી અને શિવસેના સાથે જોડાયેલા હતા. 1980, 1985, 1990, 1995, 2004 અને 2009માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. 1995માં મહારાષ્ટ્રની ભાજપ-શિવસેના સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂકયા હતા.
જળગાંવ ઘરકુળ કૌભાંડ અને સુરેશ જૈનનું નામ એકમેક સાથે જોડાઇ ગયું. આગળ હજી ઘણું થવાનું બાકી હતું.  (ક્રમશ:)