Wed Jul 08 2026

Logo

ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 92.47ના તળિયેથી પાછો ફર્યોઃ અંતે બે પૈસાનો સુધારો

2026-03-16 21:47:19
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ અને વૈશ્વિક સ્તરે ભૂરાજકીય સ્તરે ભારે અનિશ્ચિતતાને કારણે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 17 પૈસા ઘટીને ઐતિહાસિક 92.47ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. જોકે, વિશ્વ બજારમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાના આશાવાદ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવતાં સત્રના અંતે રૂપિયો સાધારણ બે પૈસાના સુધારા સાથે 92.28ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 92.30ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.44ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.47 અને ઉપરમાં 92.30ની રેન્જમાં રહીને અંતે બે પૈસાના સુધારા સાથે 92.28ના મથાળે બંધ રહ્યો હતો. 

આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેવાની સાથે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 10,716.34 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જણાતાં રૂપિયાએ સત્ર દરમિયાન ઐતિહાસિક નીચી સપાટી દાખવી હોવાનુ ઈન્ડ્સઈન્ડ સિક્યોરિટીઝના વિશ્લેષક જીગર ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે તેલનાં ઊંચા ભાવને કારણે આયાતકારોને ડૉલર વધુ ખરીદવા પડે છે તેમ જ દેશની વેપાર ખાધ પણ વધતી હોવાથી તેની રૂપિયા પર માઠી અસર પડતાં બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.46 ટકા વધી બેરલદીઠ 104.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.13 ટકા ઘટીને 99.97 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 938.93 પૉઈન્ટ અને 257.70 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યા હોવાથી ગબડતાં રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.