(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ, વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 19 પૈસા તૂટીને 92.47ની અત્યાર સુધીની સૌથી નીચી 92.47ની સપાટીની સ્પર્શીને અંતે 12 પૈસાના ઘટાડા સાથે 92.40ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ટ્રેડરોની નજર આજથી શરૂ થતી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર હોવાથી સાવચેતીના અભિગમને કારણે રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 92.28ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.35ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.47 અને ઉપરમાં 92.35ની રેન્જમાં અથડાઈને અંતે 12 પૈસાના ઘટાડા સાથે 92.40ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ બે પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. એકંદરે આજે એશિયન બજારોમાં ભારતીય રૂપિયામાં સૌથી નબળી કામગીરી જોવા મળી હતી અને ગત 13મી માર્ચની 92.30ની અગાઉની નીચી સપાટી પણ પાર કરીને 92.47ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં એકતરફી વેચવાલીનું દબાણ રૂપિયાને ગબડાવી રહ્યું છે. જોકે, આજે સતત બીજા સત્રમાં ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપ્યો હોવાથી તેમ જ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાનો આશાવાદ અને સંભવિતપણે રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપને કારણે રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું મિરે એસેટ્સ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 92.10થી 92.75ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.05 ટકા વધીને 99.52 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.65 ટકા વધીને બેરલદીઠ 102.86ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 9365.52 ડૉલરની વેચવાલી રહેતાં રૂપિયો તૂટ્યો હતો. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 567.99 પૉઈન્ટનો અને 172.35 પૉઈન્ટનો સુધારો આવતા રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.