નવી દિલ્હીઃ રેલવેમાં આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ પર મુસાફરી કરતા લાખો મુસાફરો માટે રાહતના સમાચાર છે. ભારતીય રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે એસી ચેર કાર સિવાયના તમામ એસી ડબ્બામાં મુસાફરી કરનારા દરેક આરએસી મુસાફરને હવે સંપૂર્ણ બેડરોલ કિટ ફરજિયાત રૂપે આપવામાં આવશે. એટલે કે આરએસી ટિકિટ ધરાવતા મુસાફરોને પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જેટલી જ ચાદર, ધાબળો, ઓશીકું અને અન્ય લિનેનની સુવિધા મળશે.
કડક અમલ થાય તેના માટે તમામ અધિકારીઓને સૂચના
તાજેતરમાં રેલવે બોર્ડને અનેક ફરિયાદો મળી હતી કે આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને પ્રવાસ દરમિયાન બેડરોલ આપવામાં આવતો નથી અથવા અધૂરી કિટ આપવામાં આવે છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને બોર્ડે ફરીથી સ્પષ્ટ સૂચના જાહેર કરી છે કે દરેક પાત્ર આરએસી મુસાફરને ચાદર, ધાબળો, ઓશીકું અને અન્ય જરૂરી સામગ્રી સહિતની સંપૂર્ણ બેડરોલ કિટ આપવી ફરજિયાત રહેશે. આ નિયમનો કડક અમલ થાય તે માટે તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
રેલવે બોર્ડના આદેશ બાદ મધ્ય રેલવેએ પ્રવાસી ટિકિટ નિરીક્ષકો, ટ્રેનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ અને અન્ય ઓનબોર્ડ સ્ટાફને તાત્કાલિક અસરથી આ નિયમનું પાલન કરવાની સૂચના આપી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશભરની તમામ ઝોનલ રેલવેમાં મુસાફરોને સમાન સેવા મળે અને આરએસી મુસાફરોને બેડરોલ ન મળવાની ફરિયાદોનો અંત આવે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં પૂરતી કિટ મળતી નહોતી પણ હવે રાહત
આ નિર્ણયનો સૌથી વધુ લાભ એવા હજારો મુસાફરોને મળશે, જેઓ દરરોજ આરએસી ટિકિટ પર એસી ડબ્બામાં મુસાફરી કરે છે, ખાસ કરીને તહેવારો અને વેકેશન દરમિયાન જ્યારે કન્ફર્મ બર્થ મળવી મુશ્કેલ બની જાય છે. અત્યાર સુધીમાં ઘણા મુસાફરોને માત્ર ચાદર અથવા અધૂરી બેડરોલ કિટ મળતી હતી, જ્યારે કેટલાકને કોઈ સુવિધા મળતી જ નહોતી. હવે નવા નિયમ બાદ તમામ પાત્ર આરએસી મુસાફરોને કન્ફર્મ મુસાફરો જેવી જ સુવિધા આપવાની જવાબદારી રેલવે તંત્રની રહેશે.
જો કિટ મળે નહીં તો ટીસી અથવા હેલ્પલાઈન પર ફરિયાદ કરો
રેલવે બોર્ડે મુસાફરોને અપીલ કરી છે કે જો મુસાફરી દરમિયાન સંપૂર્ણ બેડરોલ કિટ ન મળે તો તરત જ ટ્રેનમાં હાજર પ્રવાસી ટિકિટ નિરીક્ષકનો સંપર્ક કરે અથવા રેલમદદ હેલ્પલાઇન ૧૩૯ પર ફરિયાદ નોંધાવે. તમામ ઝોનલ રેલવેને આ આદેશનો તાત્કાલિક અને કડક અમલ સુનિશ્ચિત કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી દરેક પાત્ર આરએસી મુસાફરને મુસાફરી દરમિયાન સમાન અને ગુણવત્તાયુક્ત સુવિધા મળી રહે.
બેડરોલની ચોરી કરવાના વધતા કિસ્સાથી રેલવે પરેશાન
ભારતીય રેલવેમાં મુસાફરોની સુવિધા માટે આપવામાં આવતા બેડરોલ હવે કેટલાક લોકો માટે ચોરીનો સામાન બની ગયા છે. ટ્રેનમાંથી બેડરોલમાંથી બેડશીટ, ફેસ ટોવેલ, બ્લેન્કેટ સહિતની લિનન સામગ્રીની ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. આ ચોરીના કારણે રેલવે અને લિનન સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરોને મળીને 104.51 કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું છે. જોકે, પ્રવાસીઓને વધુ બેડરોલનો સેટ પૂરો પાડવામાં આવશે તો ચોરી અથવા નુકસાન થવાની ફરિયાદમાં પણ વધારો થઈ શકે છે.