Fri May 01 2026

Logo

સંશોધન અને વિકાસને મજબૂત બનાવવું, ભારતીય દવા ઉત્પાદકો માટે વૈશ્વિક સ્તરે આગેવાની લેવાની ગુરુચાવીઃ જે પી નડ્ડા

2026-04-13 19:48:13
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ પરિપ્રેક્ષ્યમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવવા માટેની શ્રેષ્ઠ સ્થિતિમાં છે કારણ કે બાયોલોજિક્સ, બાયોસિમિલર્સ અને સ્પેશિયાલિટી મેડિસિન પર વધુ ભાર મૂકવાની સાથે વિકસીત થઈ રહ્યું છે. જેને માટે સંશોધન અને વિકાસને મજબૂત બનાવવું, રોકાણમાં વધારો કરવો અને ઉદ્યોગની સહભાગીતા મૂખ્ય ચાવીરૂપ પુરવાર થશે, એમ કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડાએ આજે જણાવ્યું હતું. 

અત્રે યોજાયેલ `ઈન્ડિયા ફાર્મા 2026' પ્રસંગે એક વીડિયો સંદેશ પાઠવતા કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના પ્રધાન જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતે તેનાં સફળ નેતૃત્વ અને પોસાણક્ષમ જેનેરિક દવાઓ દ્વારા વિશ્વની ફાર્મસી તરીકેની ઓળખ ઊભી કરી છે.

આજે જોકે, વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે તેમાં જીવવિજ્ઞાન, બાયોસિમિલર અને સ્પેશિયાલિટી મેડિસિન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને આ બદલાતા વાતાવરણમાં ભારત તેને માત્ર અપનાવવામાં જ નહીં, પરંતુ અગ્રણી ભૂમિકા ભજવવા માટેની પણ શ્રેષ્ઠ સ્થિતિમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં તેમણે પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે સરકાર સંશોધનને ટેકો આપે, સંશોધન ક્ષમતા મજબૂત બનાવે અને મૂલ્ય આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપે તેવી નીતિ ઘડવા માટે પ્રતિબદ્ધ છે. તેમ જ તેમણે ઉમેર્યું હતું કે સંશોધન અને વિકાસને મજબૂત બનાવવું મહત્ત્વપૂર્ણ રહેશે, રોકાણમાં વધારો, ઉદ્યોગની ઊંડી સહભાગીતા અને અસરકારક જાહેર-ખાનગી ભાગીદારી ભારતને ઉચ્ચ મૂલ્યની નવીનતા તરફ દોરી જવામાં અને સક્ષમ બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ભારતીય ફાર્મા ઉદ્યોગને વૈશ્વિક અગ્રણી બનાવવા ઘણાં પગલાં લીધા છે, જેમાં તાજેતરમાં પાંચ વર્ષ માટે રૂ. 10,000 કરોડનાં યોજનાકીય ખર્ચ સાથેની બાયોફાર્મા શક્તિનો પણ સમાવેશ થતો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિકમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમમાં બલ્ક ડ્રગ્ઝ પાર્કને વિકસાવવાને અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે. હવે ભારત આત્મનિર્ભર થવાની દિશામાં અને સઘન પુરવઠા ચેઈનની દિશામાં કાર્ય કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે ભારતીય ફાર્મા ઉદ્યોગ જેના માટે જાણીતો છે કે જેનેરિક મૉડૅલ હાલ વૈશ્વિક સ્તરે તણાવ હેઠળ છે. તેમણે સ્થાનિક દવા ઉત્પાદકોને વધુ બાયોસિમિલર, બાયોલોજિકલ અને સંશોધનાત્મક દવાઓમાં રોકાણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગને ટેકો આપવા માટે તૈયાર છે.