Fri Jun 26 2026

Logo

શેફાલીના જીવતદાન પછી ભારતની મહિલા ટીમ જીતીઃ સેમિ માટેની આશા જીવંત

Manchester   2026-06-25 22:55:00
Author: Ajay Motiwala
Article Image

મૅન્ચેસ્ટરઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે અહીં ગુરુવારે ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને થોડા સંઘર્ષ બાદ પાંચ વિકેટે હરાવીને સેમિ ફાઇનલની આશા જીવંત રાખી હતી. `નસીબવંતી' ઓપનર શેફાલી વર્મા (53 રન, 34 બૉલ, એક સિક્સર, આઠ ફોર)ની ઇનિંગ્સની મદદથી ભારતે 137 રનનો સાધારણ લક્ષ્યાંક 19 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો. હવે ભારતની રવિવારે ઑસ્ટ્રેલિયા સામે અત્યંત મહત્ત્વની લીગ મૅચ રમાશે.

પહેલી જ ઓવરમાં શેફાલીનો કૅચ છૂટ્યો હતો જે બાંગ્લાદેશની ટીમને ભારે પડ્યો. જેમિમા રૉડ્રિગ્સ (26 રન) અને યાસ્તિકા ભાટિયા (23 રન) તેમ જ ખુદ કૅપ્ટન હરમનપ્રીત (13 અણનમ) અને દીપ્તિ શર્મા (પાંચ અણનમ)ના પણ જીતમાં નાના-મોટા યોગદાન હતા.

ખાસ કરીને 76 રનના સ્કોર પર જ્યારે એક જ વિકેટ પડી હતી, પરંતુ ત્યાર પછી સમયાંતરે વિકેટ પડતાં ભારતીય ટીમે સંઘર્ષ કરવો પડ્યો હતો. 98મા રને રિચા ઘોષની ચોથી વિકેટ વખતે બાજી બન્ને ટીમની તરફેણમાં એકસરખી મનાતી હતી, પરંતુ પછીથી હરમન-દીપ્તિની જોડીએ ટીમની નૌકા પાર કરાવી હતી.

એ પહેલાં, પ્રથમ બૅટિંગ પસંદ કરનાર બાંગ્લાદેશની ટીમને ભારતે 20મી ઓવરને અંતે 8/136 સુધી સીમિત રાખી હતી. સ્પિનર રાધા યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની ટીમ છ ભારતીય બોલરના આક્રમણ સામે નબળી પુરવાર થઈ હતી. એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ અને જુએરિયા ફરદૌસના 33 રન ટીમમાં હાઇએસ્ટ હતા. સ્પિનર શ્રી ચરનીએ બે તેમ જ રેણુકા ઠાકુર અને નંદની શર્માએ એક-એક વિકેટ મેળવી હતી.