નવી દિલ્હીઃ ભારતમાં ચોમાસું એકવાર ફરી અત્યંત સક્રિય અને આક્રમક મોડમાં આવી ગયું છે. દેશના મોટાભાગના ભાગોમાં સતત વરસી રહેલો વરસાદ કેટલાક વિસ્તારો માટે ગરમીથી રાહત લઈને આવ્યો છે, તો બીજી તરફ જનજીવન અસ્તવ્યસ્ત કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 22થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારેથી અતિભારે વરસાદ સાથે તોફાની પવનોનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2 સિસ્ટમ્સ સક્રિય: કેમ વધી ચોમાસાની તીવ્રતા?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશના નીચલા વાતાવરણમાં એક મજબૂત સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર પણ આવી જ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે. આ બેવડી હવામાન પ્રણાલીઓને કારણે મેદાની વિસ્તારોથી લઈને પહાડી અને દરિયાકાંઠાના રાજ્યો સુધી ચોમાસાના પવનો અત્યંત મજબૂત બન્યા છે.
ઉત્તર ભારત અને દિલ્હી-NCR માટે ખાસ ચેતવણી
દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં દિવસભર વાદળો છવાયેલા રહેશે. 40થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વરસાદથા કારણે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. લોકોને વીજળીના થાંભલા, જર્જરિત મકાનો અને મોટા ઝાડ નીચે ઊભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં મેરઠ, આ્રા, કાનપુર, લખનૌ, અયોધ્યા, પ્રયાગરાજ અને ગોરખપુર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પંજાબ અને હરિયાણામાં ચંડીગઢ, લુધિયાણા, અમૃતસર અને બઠિંડા સહિતના વિસ્તારોમાં 70 કિમી/કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે, જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ છે. રાજસ્થાનમાં જયપુર, કોટા, અજમેર, ભરતપુર અને અલવરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાદની આગાહી પ્રમાણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ, પશ્ચિમ બંગાળ સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો તબક્કો શરૂ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.