(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગુજરાતના પશ્ચિમના દરિયકાંઠા પરની સરહદની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે ભાગીદારીની શરૂઆત થઈ છે. જે અંગે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારત તરફથી આંતરાષ્ટ્રીય સહકાર વિભાગના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને યુએઈ તરફથી બ્રિગેડિયર સ્ટાફ જમાલ ઇબ્રાહિમ મોહમ્મદ ઇબ્રાહિમ અલમર-ઝૂકીએ કરી હતી. આ દ્વિ-પક્ષીય સહયોગની સીધી અને હકારાત્મક અસર ગુજરાતના ભારત-પાકિસ્તાન સરહદે આવેલા અત્યંત સંવેદનશીલ 'સરક્રીક' જળક્ષેત્ર પર જોવા મળશે.
બેઠક દરમિયાન બંને દેશોના પ્રતિનિધિઓએ સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા, ઇનોવેશન તેમજ સંશોધનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત બંને દેશો વિશિષ્ટ અને અત્યાધુનિક મિલિટરી ટેકનોલોજીનો પરસ્પર લાભ લેવા તેમજ દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સંમત થયા છે. વૈશ્વિક સ્તરે આતંકવાદ અને દરિયાઈ ચાંચિયાગીરી સામે લડવા માટે આ વ્યૂહાત્મક જોડાણ અત્યંત મહત્વનું સાબિત થશે.
પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા કચ્છમાં આવેલી ભારતની આંતરરાષ્ટ્રીય જળસીમા 'સર ક્રીક' હંમેશાથી ભૌગોલિક દ્રષ્ટિએ પડકારજનક અને ઘૂસણખોરી માટે સંવેદનશીલ રહી છે. ભારત અને યુએઈ વચ્ચેના આ નવા નૌસેના તથા સંરક્ષણ ટેકનોલોજીના સહયોગથી હવે આ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા હાઈટેક બનશે. સંયુક્ત સંરક્ષણ માળખા હેઠળ સરક્રીક અને આસપાસના સીમાવર્તી જળક્ષેત્રમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવશે. આ વિસ્તારમાં આધુનિક ડ્રોન અને રડાર આધારિત સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે, જેનાથી પળેપળની દેખરેખ રાખી શકાશે.