Fri May 01 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામત વધુ સાત અબજ ડૉલર ઘટી

2026-03-21 19:08:20
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત13મી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત આગલા સપ્તાહના અંતની તુલનામાં વધુ 7.052 અબજ ડૉલર ઘટીને 709.759 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 11.683 અબજ ડૉલરના ઘટાડા સાથે 716.81 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, અગાઉ 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે અનામત વધીને 728.494 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં મુખ્ય અથવા તો બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 7.678 અબજ ડૉલરના ઘટાડા સાથે 555.568 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 2.3 કરોડ ડૉલર ઘટીને 18.697 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામતો પણ 1.5 કરોડ ડૉલર ઘટીને 4.814 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, સપ્તાહ દરમિયાન એકમાત્ર સોનાની અનામત 66.4 કરોડ ડૉલર વધીને 130.681 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.