Fri May 01 2026

Logo

કોલસાની આયાત દબાણ હેઠળ રહે તેવી શક્યતા

2026-03-23 19:58:12
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન દેશમાં કોલસાની આયાત 4.2 ટકા ઘટીને 21.310 કરોડ ટનની સપાટીએ રહી હતી અને વૈશ્વિક સ્તરે ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન આયાત દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકમાં કોલસાના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે અને ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. તેમ જ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ અને પુરવઠા સ્થિતિ તંગ રહેતાં થર્મલ કોલસાના ભાવ વધી આવ્યા છે.

સ્ટીલ ઑથોરિટી ઑફ ઈન્ડિયા અને ટાટા સ્ટીલના સંયુક્ત સાહસ બીટૂબી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમજંક્શન સર્વિસીસ દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન દેશમાં નોન કૉકિંગ કૉલની આયાત ગત સાલના સમાનગાળાના 14.118 કરોડ ટન સામે ઘટીને 12.780 કરોડ ટનની અને કોકિંગ કૉલની આયાત ગત સાલના સમાનગાળાના 4.583 કરોડ ટન સામે વધીને 5.039 કરોડ ટનની સપાટીએ રહી હતી. 

જોકે, ગત જાન્યુઆરી મહિનામાં કોલસાની કુલ આયાત જાન્યુઆરી, 2025ના 2.137 કરોડ ટન સામે 22.1 ટકા ઘટીને 1.664 કરોડ ટનના સ્તરે રહી હતી, જેમાં નોન કોકિંગ કોલની આયાત ઘટીને 94.5 લાખ ટન (1.233 કરોડ ટન) અને કોકિંગ કૉલની આયાત ઘટીને 42.3 લાખ ટન (52.3 લાખ ટન)ની સપાટીએ રહી હતી. એકંદરે દેશમાં સ્થાનિક સ્તરે ઊંચો સ્ટોક અને વિશ્વ બજારમાં ઊંચા ભાવ હોવાથી થર્મલ કોલની આયાતમાં વર્ષાનુવર્ષ ધોરણે નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ જ હજુ પણ વૈશ્વિક ભાવ ઊંચી સપાટીએ હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં આયાતમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા એમજંક્શનનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વિનય વર્માએ જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે છેલ્લાં થોડા વર્ષોથી સ્થાનિકમાં કોલસાની ઉત્પાદન વૃદ્ધિ વાર્ષિક 6થી 7 ટકા છે અને આગામી વર્ષ 2029-30 સુધીમાં ઉત્પાદન 1.50 અબજ ટનની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. જોકે, દેશમાં કોલસાની માગ સતત વધતી રહેશે અને વર્ષ 2040 સુધીમાં માગ ટોચે પહોંચે તેવી શક્યતા કોલસા અને ખનન ખાતાના પ્રધાન જી કિશન રેડ્ડીએ વ્યક્ત કરી હતી.