Wed Jul 08 2026

Logo

ક્રૂડતેલના ઉછળતા ભાવની ચિંતા, ભારતીય બૅન્ચમાર્ક બૉન્ડની યિલ્ડ 14 મહિનાની ટોચે...

2026-03-23 19:47:21
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા વિવાદ અને ક્રૂડતેલના ઉછળતા ભાવની ચિંતાને ધ્યાનમાં લેતા આજે ભારતીય બૅન્ચમાર્ક બૉન્ડની યિલ્ડ અથવા તો ઊપજ વધીને 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સવારે અગિયાર વાગે 10 વર્ષીય સરકારી બૉન્ડના વેપાર ગત શુક્રવારની 6.737 ટકાની યિલ્ડ સામે વધીને 6.8173ની યિલ્ડ સાથે અથવા તો 14મી જાન્યુઆરી, 2025 પછીની સૌથી ઊંચી સપાટીએ થયા હતા.

હાલમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનાં યુદ્ધ અને તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો જે ભારતીય બૉન્ડમાં ચોખ્ખા ખરીદદાર હતા તે માર્ચ મહિનામાં ચોખ્ખા વેચવાલ બન્યા હોવાનું ચોઈસ જૂથના એરેટે કેપિટલના વાઈસ પ્રેસિડૅન્ટ માતાપ્રસાદ પાંડેએ જણાવ્યું હતું. સામાન્યપણે ક્રૂડતેલના ઊંચા ભાવથી માત્ર ફુગાવો જ નથી વધતો, પરંતુ ભારતના વેપાર અને ચાલુ ખાતાની પુરાંત પર પણ અસર થતી હોવાથી તેની રૂપિયા પર નકારાત્મક અસર થતી હોય છે પરિણામે ડૉલર સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે અને 94ની સપાટી તરફ ધસમસી રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

આ પરિબળોથી રેટકટ અથવા તો વ્યાજદરમાં કપાતની શક્યતા તો ધૂંધળી કરે છે અને સાથે સાથે જો ભૂરાજકીય તણાવ લાંબા સમય સુધી રહે તો વ્યાજદરમાં વધારો પણ થતો હોય છે આથી માગ કરતાં પુરવઠો વધવાને કારણે બૉન્ડ પર નકારાત્મક અસર પડી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મધ્ય પૂર્વના દેશોમાં વિવાદ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં તીવ્ર તેજી આવી છે અને ફુગાવાલક્ષી દબાણ વધવાનો ભય સપાટી પર આવ્યો છે.

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ આગામી 48 કલાકમાં ઈરાનની ઈલેક્ટ્રિસિટી ગ્રીડ પર હુમલો કરવાની ધમકી આપ્યા બાદ ઈરાને તેના પાડોશી અખાતી દેશોની એનર્જી તથા પાણીની યંત્રણાઓ પર હુમલો કરવાની ચીમકી આપ્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો અને આજે સવારે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધીને બેરલદીઠ 112.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, વિવાદ શરૂ થયો ત્યારથી અથવા તો ગત 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. 

એકંદરે ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે રૂપિયો નબળો પડતો હોય છે અને તેને કારણે વેપારી, રોકાણકારો અને બજાર પર માઠી અસર પડતી હોય છે. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 94ની સપાટીની નજીક 93.9075 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.