બેંગ્લુરૂઃ દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે કે બેંગ્લુરુની એક સ્ટાર્ટ કંપનીએ દેશનો સૌથી પહેલો ખાનગી કૃત્રિમ સૂરજ બનાવીને ચમત્કાર કર્યો છે. એટલે ભારતમાં ન્યુક્લિયર ફ્યૂઝન રિસર્ચને લઈ એક મોટું સાહસ સફળ થયું છે. બેંગ્લુરૂના સ્ટાર્ટઅપ પ્રનોસ ફ્યૂઝને પોતાના ટોકામક PRAGYAમાં પહેલીવાર પ્લાઝમા બનાવ્યું છે. આશરે 40 સેમી. રેડિયસ ધરાવતું ટોકામક તૈયાર કરવામાં આશરે 8 મહિનાનો સમય વીતી ગયો હતો. આનો ઉપયોગ પ્લાઝમાને કંટ્રોલ કરવા, તેની તપાસ કરવા અને ફ્યુઝન સંબંધિત કેટલીક ટેકનિકને ટેસ્ટ કરવા માટે કરવામાં આવશે.
શું છે આ મશીનનો ફાયદો?
PRAGYAનું કામ હાલમાં વીજળી પેદા કરવાનું નથી. વીજ ઉત્પાદનનું પણ નથી. આ એક પ્રકારનું ટેસ્ટ મશીન છે, જેના પર કંપની સતત પ્રયોગ કરી રહી છે. આ મશીન આશરે 20 વર્ષ સુધી કામ આપશે એવી કંપનીને અપેક્ષા છે. આ માટેની ખાસ યોજના પણ બનાવવામાં આવી છે. આ દરમિયાન દર વર્ષે આશરે 3000 પ્લામા શોટ લેવાનો લક્ષ્યાંક છે એટલે કે, દૈનિક ધોરણે 10થી 12 પ્લાઝમા બનીને એનો ડેટા તૈયાર કરવામાં આવશે.
આ ડેટા આગળ મોટા ફ્યુઝન રિએક્ટર બનાવવામાં મદદ કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટોકામક એક એવુ મશીન છે જેમાં ખૂબ જ ગરમ પ્લાઝમાને ચુંબકીય તાકાતની મદદથી કંટ્રોલ કરી શકાય છે. ફ્યૂઝનમાં નાના પરમાણુંને આંતરિક રીતે જોડીને એનર્જી બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂરજમાં પણ આ પ્રકારની પ્રક્રિયાથી એનર્જી તૈયાર થાય છે. એટલે એવું કહી શકાય કે, ભારત હવે ધરતી પર સૂરજ બનાવવાની તૈયારીમાં છે.
પ્લાઝમા રહેશે ફોક્સ
PRAGYA પર સૌથી પહેલા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે, પ્લાઝમાને ઉત્તમ રીતે કેવી રીતે કંટ્રોલ કરી શકાય? આ સિવાય ટોકામકના ડિઝાઈન, પ્લાઝમા કંટ્રોલ સિસ્ટમ અને પ્લાઝમાની તપાસ કરનારી ટેકનિક પર કામ કરવામાં આવશે. કંપની હાઈ ટેમ્પ્રેચર સુપરકંડક્ટિંગ મેગ્નેટ ઉપર પણ કામ કરી રહી છે. પ્રનોસ ફ્યૂઝને આગળના કેટલાક લક્ષ્યાંકો પણ નક્કી કરીને રાખ્યા છે. કંપનીની યોજના વર્ષ 2027 સુધીમાં HTS મેગ્નેટને ચાલુ કરવાની છે.
આ પછી વર્ષ 2030 સુધીમાં PraniQ નામની એક નેટ એનર્જી ગેન રિએક્ટર બનાવવાનું લક્ષ્યાંક રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો, નેટ એનર્જી ગેઇનનો અર્થ એ છે કે ફ્યુઝનમાંથી મેળવેલી ઊર્જા પ્રક્રિયા ચલાવવા માટે વપરાતી ઉર્જા કરતાં વધી જાય છે. હાલમાં આ કંપનીનું લક્ષ્ય છે. પ્રજ્ઞા પોતે નેટ એનર્જી ગેઇન રિએક્ટર નથી.
આ પ્રાથમિક પગલું છે
કંપનીનો ઇરાદો ફક્ત પ્રજ્ઞા દ્વારા ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી. તે ફ્યુઝન વૈજ્ઞાનિકો અને પ્લાઝ્મા ભૌતિકશાસ્ત્રીઓનો મોટો સમૂહ વિકસાવવાની પણ યોજના ધરાવે છે. આ માટે પ્રજ્ઞાનો ઉપયોગ કરીને લાંબા ગાળાના પ્રયોગો હાથ ધરવામાં આવશે, જે વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને ફ્યુઝન ટેકનોલોજીને સમજવા અને તેની સાથે કામ કરવાની તક આપશે. કંપનીને આશા છે કે આ પહેલ ભારતમાં ફ્યુઝન સંશોધન અને સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપશે. હાલમાં, પ્રજ્ઞામાં પ્લાઝ્માનું ઉત્પાદન આ દિશામાં એક પ્રારંભિક પગલું છે. ભવિષ્યના પ્રયોગો બતાવશે કે કંપની તેના વ્યાપક ફ્યુઝન-સંબંધિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કેટલી નજીક આવે છે