અમદાવાદઃ સુરતમાં પડેલા ભારે વરસાદથી શહેર જળબંબાકાર થયું હતું. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચશહેરમાં પાણી ભરાતા હોય તેવા સ્થળોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષે 2024માં નોંધાયેલા 147 પાણી ભરાવાના સ્થળોમાંથી કોર્પોરેશને 39 સ્થળોની સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારના 34 સ્થળોનો સમાવેશ થાય છે, સૌથી વધુ 11 સ્થળો ગોતા વોર્ડમાં સુધારવામાં આવ્યા છે. જે બાદ થલેતજમાં 9, ચાંદલોડિયા અને બોડકદેવ વોર્ડમાં 4-4 તથા શહેરના અન્ય વિસ્તારોમાં બાકીના સ્થળોની સમસ્યા હલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી વરસાદી ગટર (સ્ટોર્મ વોટર ડ્રેનેજ) લાઈનો નાખવામાં આવી છે અને હાલના નેટવર્કની સફાઈ (ડીસિલ્ટિંગ) કરવામાં આવી છે. જેથી આ ચોમાસામાં ત્યાં પાણી ભરાવવાની શક્યતા નથી.
સૂત્રોએ જણાવ્યું કે, 2024ના ચોમાસા પહેલા પાણી ભરાવાના સ્થળોની સંખ્યા 125 હતી, જે 2025ની સીઝન દરમિયાન વધીને ૧૪૭ થઈ ગઈ હતી. AMC એ આ તમામ 147 સ્થળોનો સર્વે કર્યો હતો અને ત્યાં કેટલા ઊંડા પાણી ભરાય છે તેમજ તેને ઓસરતા કેટલો સમય લાગે છે તેનો રેકોર્ડ રાખ્યો હતો.
10થી વધુ સ્થળો એવા હતા જ્યાં પાંચ કલાકથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા. પશ્ચિમ અમદાવાદમાં બોપલ-ઘુમા વિસ્તારમાં બે સ્થળો, ગોતામાં બે અને બોડકદેવમાં એક સ્થળે લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા નોંધાઈ હતી. જ્યારે પૂર્વમાં નરોડામાં એક, સરસપુર-રખિયાલમાં ત્રણ અને બાપુનગરમાં એક આવું સ્થળ નોંધાયું હતું. આ 147 સ્થળોમાંથી 11 સ્થળોએ 2 ફૂટથી વધુ પાણી ભરાયા હોવાનું નોંધાયું હતું.
38 સ્થળો પર નવી વરસાદી ગટરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે તેમને પાણી ભરાવાની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમાં હીરાબાગની ચાલીનો પણ સમાવેશ થાય છે, જ્યાં સૌથી વધુ એટલે કે લગભગ 3 ફૂટ જેટલા પાણી ભરાતા હતા. અધિકારીએ ઉમેર્યું કે, AMC એ આ સ્થળે કેચપીટ કનેક્ટિવિટીનું કામ કર્યું છે અને ડ્રેનેજ લાઈનોની સફાઈ કરી છે.
ગોતા વોર્ડમાં AMC એ પાણી ભરાતા 11 સ્થળોની સમસ્યા ઉકેલી છે, જેમાં ગોતા તળાવ નજીકના એક સ્થળનો પણ સમાવેશ થાય છે, જ્યાં નવી કેચપીટ બનાવીને તેને સ્ટોર્મ વોટર લાઈન સાથે જોડવામાં આવી છે. આવું જ કામ ગોતા કબૂતરખાના અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની આસપાસ પણ કરવામાં આવ્યું હતું.
થલતેજ વોર્ડમાં એસ.જી. હાઈવે પર ન્યૂ યોર્ક ટાવર નજીક એક સ્થળે લગભગ અડધો ફૂટ પાણી ભરાઈ જતું હતું અને તેને ઓસરતા બે કલાક લાગતા હતા, તે સમસ્યા લાઈનોની સફાઈ અને નવી સ્ટોર્મ વોટર લાઈન દ્વારા ઉકેલવામાં આવી છે. AMC એ જણાવ્યું કે આ વોર્ડમાં આવા નવ સ્થળોની સમસ્યા હલ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, લેવાયેલા પગલાં કેટલા અસરકારક રહ્યા છે તેનું મૂલ્યાંકન કરવા માટે ચાલુ ચોમાસા દરમિયાન પણ આ સ્થળો પર નિરીક્ષણ કરવામાં આવશે.
પાણી ભરાતા આ 39 સ્થળો લિસ્ટમાંથી કરાયા દૂર
ગોતા વોર્ડઃ ગોતા તળાવ, કબૂતરખાન, આઈસીબી ફ્લોરા સ્કીમ, ધનંજય રેસિડેન્સી, સત્તાધાર નજીક, ટીપી સ્કીમ નંબર 32, નીલગીરી સર્કલ, અર્જુન સ્કાય, ગોતા વોર્ડ ઓફિસ, બંધન જંકશન, હરિવીલા ક્રોસરોડ
થલેતજઃ ન્યૂ યોર્ક ટાવર, કેસર ટી સ્ટોલ, કળશ વિહારથી ઘુમા તળાવ રોડ, એસજી હાઈવે પર ઈન્ટાસ નજીક, સુરધારા સર્કલ, જલસા પાર્ટી પ્લોટ, સિલ્વર કાસા, બોપલ તળાવથી કેનાલ
બોડકદેવઃ હેલમેટ સર્કલ, લેડી લેક વિસ્તાર, સરકારી વસાહત, અતિથિ હૉટલ
ચાંદલોડિયાઃ ગાયત્રીનગર અંડરપાસ, ઓમ પાર્ટી પ્લોટ, ત્રાગડ, ચેનપુર તળાવથી જગતપુર રોડ, ગોદરેજ ગાર્ડન સિટી
ઘાટલોડિયાઃ સુપક સ્કૂલથી સંસ્કૃતિ એપાર્ટમેન્ટ રોડ, હીરાબાગ સોસાયટી રોડ
નારણપુરાઃ એઈસી સર્કલ, પાળીયાદ નગર
નિકોલઃ રસપાન ચોકડી, ગોપાલ ચોક
પાલડીઃ હીરાબાગ
વાસણાઃ અમન આકાશ પાર્ટી પ્લોટ
શાહપુરઃ સ્વામિનારાયણ મંદિર સામે
ખાડિયાઃ જયેન્દ્ર પંડિતનગર
ઈસનપુરઃ મહાવીર સ્કૂલ