Tue Aug 18 2026

Logo

માનસ મંથન: પ્રજાનો બોજ વધારે નહીં પણ હળવો કરે તે રાજા ઉત્તમ...

2026-08-17 08:53:00
Author: Morari Bapu
Article Image

 

  

 

- મોરારિબાપુ

 

મારાં ભાઈ-બહેનો, હું કોઈ ગ્રંથમાં એક વાત વાંચતો હતો જે મને સારી લાગી કે રાજા કોણ? રાજા કેવો હોવો જોઈએ? નૃપનીતિ કેવી હોવી જોઈએ? ભગવાન રામે ભરતજીને રાજનીતિ શીખવીને એક વૈશ્વિક વિચાર આપ્યો હતો. જેણે પણ રાજ્ય ચલાવવું હોય તે સૌએ વિચારવું જોઈએ કે રાજા કેવો હોવો જોઈએ. 

 

अपुत्रस्य नृपः पुत्री निर्धनस्य धनं नृपः|

अमातुर्जननी राजा ह्यातस्य पिता नृपः ॥

अनाथस्य नृपो नाथो हाभर्तुः पार्थिवः पति॥

 

રાજા કેવો હોય? રાજ્યનું સંચાલન કરનાર કેવો હોય? રાજ્યમાં કોઈને પુત્ર ન હોય તો રાજા તેનો પુત્ર બની જાય. કોઈ વૃદ્ધ પરિવાર હોય કે જે અપુત્ર હોય તો રાજાનું કર્તવ્ય છે કે તેવા પરિવારનો પુત્ર તે સ્વયં બને. જેની પાસે ધન નથી તેનું ધન રાજા સ્વયં બને. બહુ અદ્ભુત વાત છે. આ કઠિન વાત છે, પરંતુ ક્યારેક ને ક્યારેક તો કોઈએ તો આવું કરવું પડશે. ત્યારે રામરાજ્ય આવશે બાકી તો રામરાજ્યના કેવળ નારા જ લાગતા રહેશે. 

 

જેની મા નથી તો રાજા તેની મા બની જાય ! જેને પિતા નથી તેનો પિતા રાજા બને. બેટા, તું ચિંતા ન કર, હવેથી હું તારો પિતા છું ! જે અનાથ છે તેનો નાથ રાજા બને. એનો રક્ષક બને. સેવકનો સ્વામી બને. જે વ્યક્તિના ઘરમાં સેવક ન હોય તો રાજા તેવા પરિવારનો સેવક બને, નોકર બને. કોઈ સમજદાર વ્યક્તિ રાજાને નોકરીએ નહીં રાખે પણ કમસેકમ એવો ભાવ તો બને !

 

પહેલાનાં સમયમાં એવું થતું કે રાજા પોતાનો વેશ બદલી પોતાના રાજ્યની સ્થિતિ જોતા રહેતા. એક નગરમાં સવારના સમયમાં એક રાજા પોતાનો વેશ બદલી નગરમાં નીકળ્યો છે. જે વિસ્તારમાં ગરીબો રહેતા હતા તે તરફ જાય છે. એક બૂઢી માતાજી એક ટોપલામાં છાણ ભેગું કરી ઊભી હતી. ટોપલો એટલો ભારે હતો કે તે એકલી તેને માથે ચઢાવી શકે તેમ નહોતી. એટલામાં આ રાજા નીકળ્યો એટલે માતાએ કહ્યું કે ‘બેટા, અહીં આવ, મને જરા મદદ કરને.’ રાજાએ પૂછ્યું ‘શું કામ છે?’ બૂઢી માએ કહ્યું કે ‘ભગવાન તને દીર્ઘાયુ કરે, સારું થયું કે તું અહીંથી નીકળ્યો. આ છાણનો ટોપલો મારા માથે ચઢાવી દે ને !’ રાજાએ તે વૃદ્ધ માને મદદ કરી ને છાણનો ટોપલો તેના માથા પર ચઢાવી દીધો. રાજા મનોમન ખુશ થયો કે આજે મેં એક સારું કાર્ય કર્યું. મેં સેવા કરી. જેણે કોઈ ભાઈ કે સહારો નથી એની નોકરી મેં કરી, તેનો ભાઈ કે પુત્ર બન્યો !

 

રોજિંદા ક્રમ અનુસાર સવારમાં દસ વાગ્યે રાજ્યનો દરબાર ભરાયો છે. બધા દરબારીઓ હાજર છે. તે સમયે રાજાને થયું કે મેં આજે જે કામ કર્યું છે તેની સૌને જાણ કરું. મારા સચિવો, દરબારીઓ સૌની સામે તે વાત મૂકું તો કદાચ મારા દરબારીઓને તેમાંથી સેવાની પ્રેરણા મળે. રાજાએ કહ્યું કે ‘સૌ સાંભળો, આજે સવારે હું વેશપલટો કરી રાજ્યની સ્થિતિ જોવા ગયો હતો ત્યારે એક વૃદ્ધ મા પોતાનો છાણનો ટોપલો લઈ બેઠી હતી. તેના એકલીથી તે ટોપલો માથા પર ચઢી શકે તેમ નહોતું. તેણે કહ્યું કે બેટા, જરા આ ટોપલો માથા પર ચઢાવવામાં મદદ કર ને ! તેથી સમ્રાટ હોવા છતાં તેનો ગોબરનો ટોપલો તેનાં માથે ચઢાવવામાં મેં મદદ કરી.’ આ સાંભળી બધા દરબારીઓ ખૂબ ખુશ થયા અને તાળીઓના ગડગડાટથી એ વાતને વધાવી લીધી, પરંતુ એટલામાં તો એક સચિવ ઊભા થયા. પોતાનો રાજીનામું આપતો પત્ર રાજાને આપ્યો! સહુ અવાચક બની આ જોઈ રહ્યા. રાજાએ પણ કહ્યું કે માફ કરજો, આપ મારા રાજ્યના જૂનાં અને મહત્ત્વના વિશેષ મંત્રી છો, કેમ રાજીમાનું આપો છો? ત્યારે એ મંત્રીએ કહ્યું કે રાજન, સારા રાજામાં ચાર બાબતો હોવી જરૂર છે. 

 

એક, રાજામાં અન્વેષણાત્મક બુદ્ધિ હોવી જોઈએ. બીજું તેની પાસે વાર્તાશક્તિ હોવી જોઈએ. તેની પાસે ત્રયીવિદ્યા હોવી જોઈએ અને તેની પાસે દંડ હોવો જોઈએ. જે રાજમાં આ ન હોય ત્યાં રહેવું અશક્ય છે, મને માફ કરો અને મને મુક્ત કરો. અન્વેષણાત્મક વિદ્યા એટલે રાજાએ કોઈ એવા મહાપુરુષ પાસે શીખવું જોઈએ કે રાજકાજમાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ આત્મ અને પરમાત્મતત્ત્વ શું છે તે સમજાયું હોવું જોઈએ. કારણ કે રાજ્યના ગયા પછી કોઈ વધુ મહાન પદ તરફ ગતિ કરવાની હોય છે. ત્રયી વિદ્યાનો અર્થ છે ધર્મ શું છે અને અધર્મ શું છે તેની સમજણ. સત્તા હોય કે ન હોય, સ્વાર્થને એક તરફ રાખી જે સતત ધર્મની અને અધર્મની ખોજ કરે તે રાજા ઉત્તમ કહેવાય. 

વાર્તાવિદ્યાનો અર્થ છે નીતિ અને અનીતિ શું છે એનું રાજાને જ્ઞાન હોવું જોઈએ. અને છેલ્લે દંડવિદ્યા, જેને લીધે વિવેક અને અવિવેકનું રાજાને જ્ઞાન આવે છે. 

 

રાજા સમજદાર હતો. તેણે મંત્રીને પૂછ્યું કે ‘મેં તો આજે સારું કામ કર્યું છે. આમાં કશું બૂરું તો નથી કર્યું. ઊલટું માતાજીને કોઈ મદદ કરનારું નહોતું તો મેં તેના સેવકની જેમ તેને મદદ કરી છે, તમે કેમ ત્યાગપત્ર આપો છો?’ મંત્રીએ કહ્યું કે ‘રાજન, તમે વૃદ્ધ માના માથે ટોપલો ચઢાવ્યો એને બદલે તેનો બોજ ઉતારવો એ તમારી ફરજ છે. તમે તો ગૌરવ લો છો કે મેં વૃદ્ધ માના માથા પર ટોપલો ચઢાવ્યો. નહીં, રાજાનું કર્તવ્ય છે કે આવા અનાથ અને વિધવા મા હોય તેમના શિર પર બોજ ન રહેવો જોઈએ. જો તમે તે માના ઘરે જઈ ટોપલો મૂકી આવ્યા હોત તો હું રાજીનામું ન આપત. પ્રજાનો બોજ વધારે નહીં પણ હળવો કરે તે ઉત્તમ રાજા. રાજા માટે જરૂરી છે કે તે પ્રજાનો ભાર ઓછો કરે અને તેના પર બોજ ન નાખે. તેથી મને મુક્ત કરો.’

 

(સંકલન: જયદેવ માંકડ)