Wed Aug 26 2026

Logo

હું, સોનલ ઝવેરીઃ પ્રકરણ-29

2026-08-08 09:30:00
Author: Mavji Maheshwari
હું, સોનલ ઝવેરીઃ પ્રકરણ-29

માવજી મહેશ્વરી


ભલ ભલાને પહોંચી વળવા સક્ષમ છું તો પછી મારે શા માટે કોઈનો ભય હોવો જોઈએ? અને મારે એ લોકોને શા માટે ભાઈઓ ગણવા જે મને પોતાની દુશ્મન સમજે છે...
ઉદાસ આંખે સોનલ છતને તાકી રહી. સોનલના હાથના પંજા પર આંગળી ઘસતાં સનતે કહ્યું, `ઓકે. ચાલો. તે પછી શું થયું? સંજય ક્યાં ગયો?' 

`તે એના કોઈ ફ્રેન્ડને ત્યાં ચાલ્યો ગયો હતો. સંજયના ચાલ્યા ગયા પછી ઘરમાં પણ ઉદાસી છવાયેલી રહી. પપ્પા કે મમ્મી શો રૂમ પર ચાલ્યા ગયા. હું મારા રૂમમાં પુરાઈ રહી. નોકરો સુન્ન થઈ ગયા હતા. લગભગ એકાદ વાગે મારી નાની ભાભીએ મારા દરવાજા પર નોક કર્યું. મેં દરવાજો ખોલ્યો. એ પુતળાની જેમ મને જોઈ રહી. તે આવીને મારા બેડ પર નીચું જોઈને બેસી રહી. ખાસી મીનીટ પસાર થયા પછી તે બોલી, `બહેન જમવા તો આવશો ને? હું તમારી રાહ જોતી હતી.' 

મને વહાલ જાગ્યું. મેં એને ધીરેથી કહ્યું, `ભાભી તમે ટેબલ પર જાઓ હું આવું છું.' મને ખાવાની જરાય ઈચ્છા નહોતી. પણ મારી ભાભી માટે બેસવું પડે તેમ હતું. નોકરોને મારા તરફ વિશેષ લાગણી હતી. હું ટેબલ પર આવી એટલે મહારાજે તરત બાજુમાં આવીને શાલીનતાથી પૂછ્યું, `બહેન કંઈ ખાસ બનાવી દઉં?' 

એ પગારદાર માણસના અવાજમાં વ્યક્ત થતી લાગણી જોઈ મેં આંસુ માંડ કંટ્રોલ કર્યા. મેં હજુ માંડ બે ચાર કોળિયાં ભર્યા હશે ત્યાં ભાભીના સેલફોનની રીંગ વાગી. ભાભીની આંખોમાં ચિંતા દેખાઈ. હું સમજી ગઈ કે જયનો ફોન હશે. `સોરી હોં બહેન.' કહીને ભાભી ઉઠી ગઈ. બાજુના રૂમમાંથી ભાભીનો દબાયેલો અવાજ આવતો હતો. તે થોડીવારે બહાર આવી. 

જાણે કોઈ ગુનો કરતી હોય તેમ મને કહ્યું, `જય છે. તમારી સાથે વાત કરવા માગે છે.' એમ કહીને તેણે મને ફોન આપી દીધો. મેં જરાય ડર્યા વગર ફોન કાન પર ગોઠવી હલ્લો કહ્યું. જય  શબ્દો ગોઠવીને બેઠો હોય તેમ બોલ્યો, `તો સોનલ ઝવેરી આખરે તમે તમારું ધાર્યું કર્યું એમ? હવે તો ખુશ છો ને?' 

`જય, હું અને ભાભી જમીએ છીએ. તારે ઝઘડો કરવો છે તો અહીં આવીને કરી જા. હું સાચી છું એનો કોઈ પુરાવો મારે તને નથી આપવો.' 

`મને કોઈ પુરાવા જોઈતા નથી. જે ઘરનો માલિક છે તેને ઘર છોડવાનો સમય આવ્યો. તેં આટલાં વર્ષોમાં જે કરવાનું હતું તે કરી લીધું. હવે મારે તારા મૂળિયા શોધવા પડશે. સોનલ હું પપ્પાને પણ માફ નહીં કરું.'

મને જયના છેલ્લા શબ્દો સાંભળી ઝાટકો વાગ્યો. મેં વાત ટાળવા માટે જ કહ્યું, `જો ભાઈ. તમે મને બહેન નથી માનતા. છતાં તમને ભાઈના નાતે કહું છું કે, ન તો મને તમારી મિલકતમાં રસ છે, ન તો મેં તેને ઘર છોડી જવાનું કહ્યું છે. સંજય પોતાની મરજીથી ગયો છે.'

`એ તો અમે બેય ભાઈઓ હિસાબ કરી લઈશું. તું આજે શાંતિથી ખાઈ લે.' તેણે ફોન કટ કરી નાખ્યો. જયની વાઈફને તેને અંદાજ હતો કે અમારી વચ્ચે શું વાત થઈ હશે. મને જમવામાં આમેય રસ નહોતો. જયની વાત સાંભળી મને થાળી પરથી ઉઠી જવાનું મન થયું. જો હું ઉઠી જાત તો ભાભી પણ જમત નહીં. એટલે જમવાનો અભિનય કરતી હું બેસી રહી. 

તે જમીને તરત પોતાના રૂમમાં ચાલી ગઈ. માં અસ્થિર મન કોઈ એક વાત પર વિચાર કરી શકતું નહોતું. મને થયું કે મારે રત્નાકરજીને આ વાત કરવી જોઈએ. મેં ઘડિયાળ જોઈ અને રત્નાકરજીને ફોન જોડ્યો. તેમણે પહેલી રીંગમાં જ ફોન ઉપાડ્યો, `બોલો બેન કેમ છો? શું કરો છો?'

`દાદાજી આજે ફરી બેન? મને એમ હતું કે બેટા કહેશો.' મેં જરા હળવા ટોનમાં કહ્યું. 
`બેટા તું મને લાગણીના તાકામાં એટલો વિંટતી નહીં કે હું ગુંગળાઈ જાઉં. બોલ કંઈ નવાજુની છે?'

`દાદાજી કેટલી ગણાવું? હું અકળાઈ ગઈ છું. ડરી પણ ગઈ છું. સંજય ઘર છોડીને ચાલ્યો ગયો છે. જયે ફોન કરીને જોઈ લેવાની ધમકી આપી દીધી છે. મને એમ હતું કે હું ઝંઝટમાંથી ફ્રી થઈશ. ઉલ્ટાનું હું વધારે ગુંચવાઈ ગઈ છું.'

`હેં સંજય ઘર છોડીને ચાલ્યો ગયો?' 
`બેય ભાઈઓએ બધો દોષનો ટોપલો મારા માથે ઠાલવી દીધો છે. મેં ઈરાદાપૂર્વક પપ્પાને પાવરદાર બનાવ્યા છે અને એ લોકો હજુય એમ માને છે કે હું બધું હડપ કરી જવા માગુ છું.' 
`સારું છે મારૂ નામ ન લીધું. એ લોકો મને છોડે એમ પણ નથી.' 

મને તે વખતે હસવું આવી ગયું. મારા હસવાનો અવાજ સાંભળી રત્નાકરજી બોલ્યા, `કેમ છોકરી હસવું આવ્યું.?' 

રત્નાકરજી જે રીતે છોકરી શબ્દ બોલ્યા મને થયું રત્નાકરજી પાસે દોડી જાઉં. એમને વળગીને કહું, `તમે જ હવે મારા દાદાજી છો. તેમનો વહાલભર્યો શબ્દ મને ખૂબ જ ગમ્યો. મેં મારી લાગણી દબાવીને કહ્યું, `તમને લાગે છે તમારું નામ ન આવે? સંજયને શંકા છે કે આપણે બેય સાથે મળીને કાવતં કરીએ છીએ.' 
`એક વાત કહું બેન માનશો?' 

`દાદાજી મને પુછો નહીં. તમે હૂકમ કરો. હું તમારી વાત શા માટે ન માનું?' 
`તો દાદાજીના લોકરમાં જે કંઈ પડ્યું છે તે ઉપાડી લો અને તમારા પર્સનલ લોકરમાં રાખી દ્યો. તમે ભલે બધું જતું કરજો પણ એ લોકરમાં જે કંઈ છે તે હાથવગું રાખજો. જો એ તમારા હાથમાં નહીં આવે તો મારા મિત્રને મેં આપેલું વચન પાળ્યું નહીં ગણાય. બેન પૈસા વગર આપણા વિચારોની કે વ્યક્તિત્વની ઝાઝી કિમત હોતી નથી. મારી આ વાત યાદ રાખજો.' 

`ઓકે દાદાજી. તમને એક અગત્યની વાત કરવાની રહી ગઈ. આજે જયે નવી ધમકી આપી છે. તેણે કહ્યું કે તે રાજસ્થાનમાં મારૂ પગેં શોધશે. જોકે તેણે ખાસ વાત કરી નહીં. પણ એ શેતાન કદાચ એવું કરે તો મારા નાનાના પરિવારને નુકસાન કરી શકે.'

`મને નથી લાગતું કે જયને એવી કોઈ માહિતિ મળે. જોકે તેણે કદાચ અંધારામાં તીર ચલાવ્યું છે. પણ તમે એ લોકો સાથે સંપર્ક કેમ નથી રાખ્યો? તમારે રાખવો જોઈતો હતો. ધેર ઈઝ યોર રૂટસ. ઈટસ ઓકે મને તમે જણાવતા રહેજો. હું માનું છું કે એ બેય ભાઈઓ સંપર્કમાં જ હશે અને જય પણ આજકાલમાં આવશે. એ આવશે એટલે ઘરમાં ઝઘડો થવાનો. મારી એક વાત માનશો? તમે પપ્પાને સમજાવો કે સંજય અને જયને પ્રોપર્ટીમાંથી એમનો હિસ્સો આપી દે. એ લોકોને જે આપવા પાત્ર થતું હોય તેના કરતા વધારે આપી દો. વાત લટકેલી પડી હશે તો બધાય ટેન્શનમાં રહેશો.' 

`તમારી વાત સાચી છે દાદાજી હું આજે જ પપ્પાને વાત કરીશ. જોકે આજે જય આવશે તો આપોઆપ વાત નીકળશે જ. બાય દાદાજી કહીને મેં ફોન મૂકી દીધો. રત્નાકરજી સાથે વાત કરવાથી મને રાહત થઈ. મન હળવું થયું. હું બેડ પર આડી પડી. મને ઊંઘ આવી ગઈ. એવી ઊંઘ કે જે કેટલાય મહીનાઓ પછી આવી હતી. મને કોઈએ ઉઠાડી પણ નહીં. જોકે ઉઠાડે પણ કોણ? હું ઉઠી ત્યારે મને નવાઈ લાગી. હું ચાર કલાક સુતી રહી? ઘણા સમય પછી શરીરને આરામ મળ્યો હતો. 

શરીર અને મન અદ્ભુત શાંતિ અનુભવતા હતા. હું બાથરૂમમાં ચાલી ગઈ. ઘણા સમય પછી મેં શરીર પર પડતા પાણીની ધારાઓનો અનુભવ કર્યો. માં શરીર જાણે મુક્તિ ઝંખતું હતું. હું મન ભરીને નહાઈ. કેટલાય સમય પછી મારો વોર્ડરોબ ઝીણવટથી જોયો. મારી પસંદગીની ઑફ વ્હાઈટ પેન્ટ અને હલ્કા ગુલાબી રંગનું ટીશર્ટ કાઢ્યા. અરીસામાં માં પ્રતિબિંબ જોઈને મને મારા પર વહાલ જાગ્યું. તૈયાર થઈને હું ટેબલ પર બેઠી તે સાથે જ મહારાજ દોડી આવ્યો. મેં માનથી કહ્યું, `મહારાજ આજે તમારા હાથની ફુદીનાવાળી મસ્ત કોફી પીવડાવો.' મહારાજે ખુશ થઈ મારા માટે કોફી બનાવી લાવ્યો. 

મારી ભાભી શરમની મારી મારી પાસે જ ન આવી. મેં મહારાજને થેન્ક યુ કહ્યું. ઘરના બીજા નોકરોએ ઘણા સમય બાદ મારો બદલાયેલો લુક જોયો. તેઓ ખુશ હતા. મારો ડ્રાઈવર આજે પપ્પાની ગાડી ડ્રાઈવ કરીને લઈ ગયો હતો. મેં મારી કારની ચાવી લીધી અને બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ રોડ પર કાર દોડાવી મૂકી. મને થયું જાણે હું મુક્ત પંખી છું. મારી ઉડાન માટે આખુંય આકાશ છે. મેં મને ખુદને જ સવાલ કર્યો કે મારે સંજય જેવા મવાલીઓથી શા માટે ડરી જવાનું હોય? 

હું ભલ ભલાને પહોંચી વળવા સક્ષમ છું તો પછી મારે શા માટે કોઈનો ભય હોવો જોઈએ?  અને મારે એ લોકોને શા માટે ભાઈઓ ગણવા જે મને પોતાની દુશ્મન સમજે છે. જેમ જેમ હું વિચારતી જતી હતી તેમ તેમ મારી અંદરથી એક બોલ્ડ છોકરી બહાર આવી રહી હતી. એવી છોકરી જે કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર હતી. હું કોણ છું તેની મને પહેલીવાર જાણ થઈ. 

જેમ જેમ વિચારોનો તંતુ લંબાતો જતો હતો તેમ તેમ મને અજીબ રોમાંચ થતો હતો. જાણે હું આખે આખી બદલાઈ રહી હતી. સંજય અને જયની ધમકીઓ અને આવનારા સમયની મને કોઈ ચિંતા જ નહોતી. હું માં જ આંતર પરિવર્તન જોઈ રહી હતી. બાય ધ વે તમે એ વિસ્તાર જોયો છો? અદ્ભુત જગ્યા છે. દરિયાના મોજાં ચટ્ટાનોમાં અથડાઈને ચુર ચુર થઈ જતા હોય. કેટલાય લોકો એ નજારાને જોવા એકઠા થયા હોય. પોત પોતાની રીતે માણતા હોય. 
`ના નથી ગયો. પણ તમે લઈ જશો તો મને ગમશે.'

`તક મળશે તો જરૂર લઈ જઈશ. હું દૂર કાર પાર્ક કરી એક ચટ્ટાન પર બેસીને આથમતા સૂરજને જોઈ રહી. મને અદ્ભુત આનંદ મળતો હતો. અંધાં ઉતરી આવ્યું ત્યાં સુધી હું ત્યાં બેસી રહી. પહેલી વાર મેં એવું ફીલ કર્યું કે હું કોઈનીય આશ્રિત નથી. માં આ દુનિયામાં સ્વતંત્ર વજુદ છે. હું આજ પછી મારી રીતે જીવીશ. મારા નિર્ણયો મારી રીતે લઈશ. સાડા આઠ થયા એટલે હું ઉઠી. મેં કાર સ્ટાર્ટ કરીને મુખ્ય રોડ પર લીધી. 

મુંબઈના રસ્તા પર કાર ચલાવવી મારા માટે કોઈ નવાઈ નહોતી. પણ ખાર પાસે પહોંચી ત્યારે એક બ્લ્યુ કલરની કાર મારી કારને ઘસાઈને આગળ થઈ. એટલું જ નહીં એ કાર બ્રેક થઈ અને તરત પૂર ઝડપે ભાગી. મેં મારી કારને ડાબી સાઈડ ન દબાવી બ્રેક મારી ન હોત તો બેય કાર અથડાઈ પડી હોત. ઘડીભર મને પરસેવો વળી આવ્યો. અચાનક ચિત્તમાં ખતરાની ઘંટી વાગવા માંડી. મને લાગ્યું કે એ કારમાં જે કોઈ પણ હોય, તેનો ઈરાદો મારી કાર સાથે અથડાવવાનો જ હતો. મુંબઈનો ડ્રાઈવર એટલી હદે પાગલ ન હોય કે આવી રીતે ઓવરટેઈક કરી અને તરત બ્રેક મારે.   

તે છતાં હું ડરી નહોતી. ઉલ્ટાનું ઝનૂન ચડ્યુ. એ કાર ઊભી રહી હોત તો એના ડ્રાઈવરને મેં માર્યો હોત. તેમ મેં મગજ શાંત કર્યું. હા મારા ચિત્તમાં એ કારનું ચિત્ર છપાઈ ગયું હતું. મને યાદ આવ્યું એ કાર તો મારી કારની બાજુમાં જ પાર્ક કરેલી હતી. ઘરે આવી ત્યારે ડાઈનીંગ ટેબલ પર જ પપ્પા અને જય તંગ ચહેરે બેઠા હતા. મેં પપ્પા સામે એક સ્માઈલ કર્યું. મને જોઈને જયની આંખોમાં લોહી ધસી આવ્યું. (ક્રમશ:)