Sun Aug 23 2026

Logo

હું, સોનલ ઝવેરી પ્રકરણ - 22

2026-07-31 09:09:00
Author: Maavji Maheshwari
Article Image

 

 

 

 મારાથી બોલાઈ ગયું, ‘મમ્મી તમારે પપ્પાને કહેવું જોઈતું હતું કે એ બધાનું સાટું તમે એકલાએ જ ત્રણ લગ્ન કરીને વાળી નાખ્યું છે...!’

 

માવજી મહેશ્ર્વરી

 

‘સોનલ તમારા દાદા તમારા નામે વીલ શા માટે કરતા ગયા?’ 

 

‘એનાં ઘણાં કારણો હતાં સનત. પહેલું તો એ કે છેલ્લાં દિવસોમાં દાદા મારી અત્યંત નીકટ આવી ગયા હતા. એટલા નીકટ કે એમાંની હું અંગત મદદનીશ જ બની ગઈ હતી. એમ સમજો કે દાદા મારા સિવાય રહી શકતા નહીં, એકાદ દિવસ મારે ક્યાંય બહાર જવાનું થાય તો મને ફોન કરતા. કદાચ દાદાને મારી માનું વ્યક્તિત્વ, એના ગુણો યાદ આવતા હતા. મારી માને અન્યાય કરવાનો પસ્તાવો પણ હતો. એમણે મને કદી એ બાબતે કશું કહ્યું નહોતું. ક્યારેક એમની ભીની આંખો જોઈ હું સમજી જતી કે એ કોઈ પસ્તાવો કરી રહ્યા છે. બીજી બાબત હતી અમારા ઘરનું અશિસ્ત. ખબર નહીં અમારા ઘર પર કુદરતની કેવી કૃપા છે કે ધંધો બરાબર ચાલે છે. મારા ઘરમાં જે ત્રણ પુરુષો છે તે પરણેલા હોવા છતાં ગૃહસ્થ નથી. ફેમિલી રિસ્પોંસિબિલિટી જેવી ચીજ એમનામાં નથી. તો ીઓમાં પણ ખાસ કાંઈ વખાણવાલાયક નથી. મારી મીનાક્ષી મમ્મી પેલી બેય જણીની સાસુ છે. પણ એના નખરા વહુઓથી ચઢે તેવા છે. મારી ભાભીઓને પોતાની સાસુ તરફ જરાય આદર નથી. દાદા હતા ત્યાં સુધી હજુય કંઈક ઠીક હતું. પણ એમના ચાલ્યા ગયા પછી તો કોઈ કોઈના કહ્યામાં જ નથી.’ 

 

‘તમારા પપ્પા કોઈને કશું કહેતા નથી?’ 

 

‘સનત આપણા દેશમાં ચારિત્ર્યની વ્યાખ્યા જરા જુદી છે. અહીં પરણિત વ્યક્તિ અન્ય ી કે પુરુષ સાથે સંબંધ બાંધે છે ત્યારે એ ચારિત્ર્યહીન ગણાય છે. અન્ય લોકો એવી વ્યક્તિ તરફ માન ધરાવતા નથી. આવા લોકોને એમનો પૈસો, પદ કે પ્રતિષ્ઠા મદદ કરી શકતા નથી. મારા પપ્પાએ ભૂલો પર ભૂલો કરી છે. એટલે છોકરાઓ એમને જરાય માન દેતા નથી. મીનાક્ષી મમ્મીને પપ્પાની હિસ્ટરી ખબર છે. એ મારા પપ્પા સાથે લગ્ન કરીને પસ્તાય છે, પણ એના માટે હવે બીજો કોઈ રસ્તો નથી. ટૂંકમાં અમારું આખું ઘર વિખરાયેલું છે. મારો મોટો ભાઈ સત્તાપ્રિય સ્વભાવ ધરાવે છે. કદાચ આ બધું જોતાં દાદાએ બધું મને સોંપી દેવાનું નક્કી કર્યું હશે, એમણે પોતાની બુદ્ધિ અને પરિશ્રમથી જે ઊભું કર્યું હતું તે સચવાઈ રહે તે હેતુથી કદાચ દાદાએ મને વારસદાર બનાવી હશે.’

 

‘મતલબ પૈસા માટે તમારા ઘરના લોકો તમારી સામે પડ્યા છે અને તમને ભાગવા પર મજબૂર કર્યા છે.’

 

‘હા આમ જોઈએ તો એવું જ, પણ એની વચ્ચે પણ બીજું ઘણું બધું બન્યું છે. એટલું બન્યું છે કે હું કહેવા બેસું તો મને હજુ એક રાત જોઈએ.’ 

 

‘હા, તે હું કચ્છ નહીં જાઉં. આપણે અહીં રહી જઈશું.’ 

 

‘લોભ જાગ્યોને? પછી કહેશો મને તારાથી પ્રેમ થઈ ગયો છે હવે મને છોડીને ન જા.’

 

‘હા તે કહી દઈશ તમે. ચાલો કચ્છમાં. ત્યાં તમને કોઈ શોધી નહીં શકે.’ 

 

‘અરે વાહ. ઠીક યાદ દેવડાવ્યું. તમે કચ્છ વિશે તો કંઈ બોલ્યા જ નથી.’ 

 

‘જુઓ હું પોતે જ કચ્છનો નથી. એટલે હાલ પૂરતું આપણે કચ્છ કનેક્શન કટ કરી તમારી વાત પર આવી જઈએ છીએ. મને તમારી સ્ટોરીમાં એટલો રસ પડ્યો છે કે હવે કોઈ ફિલ્મ જોવાની પણ મજા નહીં આવે. પછી તમે એમ.વી. એન્ટરપ્રાઈઝમાં જવાનું શરૂ કર્યું હશે ને?’

 

‘પહેલી વાત તો એ કે મને એ ધંધા વિશે કશી ખબર જ નહોતી. બધું મારે પપ્પાને પૂછીને કરવાનું હતું. પપ્પા પાસેથી ચેક પર સહી કરવાની સત્તા ચાલી ગઈ હતી એટલે તે જરા અલિપ્ત રહેવા લાગ્યા હતા. બીજું હું રોજ સમયસર શો રૂમ પર જવા લાગી તેનાથી ભાઈ અકળાયો હતો. હું રસ લેવા માંડી હતી તે તેનાથી સહન નહોતું થયું. આમ તો અકાઉંન્ટસી મારો સબજેક્ટ નથી. એ માટે હું બ્રીજેશ પોદારની આભારી છું. તેમણે અને વિમલ બક્ષીએ મને અમારા ધંધાની ઝીણી ઝીણી બાબતો સમજાવી હતી. મને ત્રણેક મહિનામાં જ અમારો કારોબાર સમજાઈ ગયો. સામે મારા ભાઈઓએ એવું  માની લીધું કે મને જો અહીંથી હટાવવામાં નહીં આવે તો એ લોકોને ઘર છોડવાનો વારો આવશે. એટલે એ લોકો સક્રિય થઈ ગયા હતા. એ બધી બાબતનો દોરી સંચાર ક્યાંકથી થતો હતો.’ 

 

‘દાદાએ કરેલા વિલને કારણે મારા ભાઈઓના મામાનો મારા સામે છુપાયેલો વેરાગ્ની ફરી ભડક્યો હતો. સૌથી પહેલા તો એમણે દાદાએ બનાવેલા વિલ સામે કોર્ટમાં અપીલ કરી. જોકે રત્નાકરજીએ એકવાર મને વાતવાતમાં કહી નાખ્યું હતું કે, બેટા સંભાળીને ચાલજો. તમારા ભાઇઓ જરા આકરા પાણીએ છે. રત્નાકરજીની નજીક આવ્યા પછી તે મને વહાલથી બેટા કહેવા લાગ્યા હતા. પણ કેસ જ એટલો બોદો હતો કે એ લોકો હારવાના હતા. એમના વકીલે જ કેસ પાછો ખેંચવા માટે મનાવી લીધેલા.’  

 

‘મેં જાણી જોઈને જ કોઈને કોઈ જ હોદ્દો આપ્યો ન હતો. એ લોકો જેમ આવતા હતા તેમ આવે છે કે નહીં, તે જોવાની મારી ગણતરી હતી. નાનો જય રાજસ્થાનની ખાણો સંભાળતો એટલે એની સ્થૂળ હાજરી મને નડતી ન હતી. પીડા સંજયને હતી. પપ્પા અંદરથી જરાય રાજી નહોતા. ઉપાધીઓનું એક ઓર એપી સેન્ટર તો જુદું જ હતું. જેની મને પણ ઘણી મોડી ખબર પડી.’

 

‘હું સમજ્યો નહીં.’ 

 

‘મારી મમ્મી ખેલાડી નીકળી. મારા દાદાએ બનાવેલું વિલ જાહેર થયું તે ઘડીએ જ એ ચાલાક ી સમજી ગઈ હતી કે હવે કાયદાકીય રીતે કંઈ થાય તેમ નથી તેણે જુદો રસ્તો લીધો. તેણે મારી સાથે સંબંધો સારા બનાવ્યા. મારા સાથે સલૂકાઈથી વર્તતી. મને અંદાજ ન આવ્યો કે તે મારી પાછળ રમત રમતી હશે. એક તરફ તેણે મને રાજી રાખી તો બીજી તરફ એની અને મારા ભાઈ વચ્ચે રોજ બેઠકો થવા લાગી. માના સ્નેહથી વંચિત રહેલા મારા ભાઈને મમ્મીએ એવો તો વશ કરી લીધો કે તે મારી મમ્મીનો પડ્યો બોલ ઝીલવા લાગ્યો. તેણે મારા ભાઈને સમજાવ્યું કે તું, સોનલથી ઝઘડવાનું બંધ કરી નાખ. એક મોટાભાઈ તરીકે જ એની સાથે સંબંધ રાખ. જેમ સોનલ કહે તેમ કરવા માંડ. હું રોજ સાડાનવે ઘેરથી નીકળી જાઉં. મારો ભાઈ તે પછી લગભગ અગિયાર વાગે આવે. મારી પાછળ એ બેય જણ આગલા દિવસે શું શું બન્યું, હવે શું કરવું તેની ચર્ચા કરે.’ 

 

‘દાદાના ગયા પછી પહેલી દિવાળી આવી. પહેલો ખેલ રચાયો. એ પહેલી એવી દિવાળી હતી જ્યારે મને લાગ્યું હતું કે અમે બધા એક પરિવારના સભ્યો છીએ. બેસતા વર્ષના દિવસે મારા મોટાભાઈએ મારા માથા પર હાથ ફેરવ્યો હતો. ઝગડવાનું તો બિલકુલ બંધ કરી નાખ્યું હતું. ઘરમાં શાંતિ હતી. હું ખુશ હતી. એ નવા વર્ષના અમે બધા અગિયારેય અગિયાર જણ ત્રણ ગાડીઓ લઈને ખંડાલા ગયાં. મારા પપ્પાને મમ્મીએ સારી પેઠે હોમવર્ક કરાવેલું.  એ રાતે મમ્મી અને પપ્પા મારા રૂમમાં આવ્યાં. સનત તમે મારી મમ્મી ઉર્ફે મીનાક્ષીને જોઈ નથી એટલે તમને કેમ સમજાવું કે તે શું દેખાવડી છે. વળી એવું મીઠું બોલી જાણે છે કે, કોઈને શંકા ન જાય કે તેના મનમાં કપટ હશે. તે રાતે પણ તેણે એ જ જાદુ અજમાવ્યો હતો. થોડી આડી અવળી વાતો કર્યા પછી તેણે મને સીધું પૂછ્યું, સોનુ તારા પપ્પાને હવે તારી જરા ચિંતા થાય છે. સ્વાભાવિક છે કે છોકરી મોટી થાય તો એના બાપને ચિંતા થાય જ. થયું કે તારી સાથે વાત કરી લઈએ. વાત એમ છે કે તું તારી રીતે મેરેજ કરીશ કે અમે તારા માટે શોધીએ. જોકે મારા ધ્યાનમાં એકાદ બે છોકરા છે. ઘરમાં કોઈ મારા લગ્નની ચિંતા કરે એ વાત મારા માટે આંચકા સમાન હતી. આ વિશે મેં વિચાર્યું જ નહોતું. મેં મશ્કરીના ટોનમાં કહ્યું, ‘મમ્મી થેન્કસ કે તમે મારી ચિંતા કરો છો. મેં હજુ કોઈને પસંદ કર્યો નથી, છતાં તમે જોઈ રાખ્યા હોય તો વિચારીશ.”

 

મમ્મીનો દાવ સવળો પડતો હોય તેવું તેને લાગ્યું. તેના અવાજમાં લાગણી આવી ગઈ. મમ્મીનો ઈરાદો ખતરનાક હતો. એ ઝઘડો કર્યા વગર, અશાંતિ ઊભી કર્યા વગર ઘરમાંથી મને દૂર કરવા માગતી હતી. એકવાર હું લગ્ન કરવા રાજી થઈ જાઉં તો પછી આસાનીથી એમ.વી. 

એન્ટરપ્રાઈઝમાંથી નીકળી જાઉં અને તેમાંય જ્યારે મને પરણનાર જો મમ્મીનો ગોઠવેલો હોય પછી પરોક્ષ રીતે બધું મમ્મીના હાથમાં આવી જાય. એ રાતે અમે છૂટાં પડ્યાં પછી શી ખબર કેમ મને એવું લાગવા માંડ્યું કે મારી આસપાસ કોઈ કાવતરું રચાઈ રહ્યું છે. મને અસુખ થવા માંડ્યું. મને સમજાતું નહોતું કે એવું મને શા માટે થાય છે. મમ્મી મનોમન બહુ જ રાજી હતી. બીજા દિવસે દસેક વાગે તેણે મને કહ્યું, ‘સોનલ ચાલ આપણે જરા બહાર જઈ આવીએ.’ મને એમાં કશું અજુગતું ન લાગ્યું. અમે બેય નીકળ્યા જ કે મારો મોટો ભાઈ સામે મળ્યો. તેણે મમ્મીને પુછ્યું કે ‘ક્યાં જાવ છો?’ તો મમ્મીએ જવાબ આપવાને બદલે એને કહ્યું, ‘ચાલ તું પણ આવ.’ મને હવે કંઈક શંકા પડવા માંડી. મેં મમ્મીને પુછ્યું, ‘મમ્મી આપણે ક્યાં જઈએ છીએ?’ ત્યારે તેણે કહ્યું કે ‘રાતે જે છોકરાની વાત કાઢી હતી તે અહીં જ આવ્યો છે. આપણે તેને મળવા જઈએ છીએ.’ મેં રસ્તાની ધારે ગાડી અટકાવીને મારી નારાજી દર્શાવતા કહી નાખ્યું, ‘મમ્મી મારું એવું શું અટકી રહ્યું છે કે હું કોઈને સામેથી મળવા જાઉં? તમે બધું ગોઠવીને આવ્યાં હતાં તો રાતે પપ્પાને કેમ કહ્યું નહીં?’ 

 

મારો ભાઈ મને સમજાવવા લાગ્યો, ‘હું એ છોકરાને ઓળખું છું. બહુ સારો છોકરો છે. એકવાર મળવામાં તારું શું જાય છે મને ગુસ્સો આવ્યો.’ મેં કહ્યું,  ‘સંજય તને ખબર નથી કે મમ્મી કયા છોકરાની વાત કરે છે. તો તને કેવી રીતે ખબર પડી કે એ સારો છે?’ 

 

મમ્મીને ખ્યાલ આવી ગયો કે સંજયે વટાણા વેરી નાખ્યા છે. તે અંદરથી સળગી ગઈ. તેમ છતાં તેણે મોં પર સ્મિત લાવીને કહ્યું, ‘બેટા નારાજ ન થા. તને ન ગમતું હોય તો ચાલ પાછા જઈએ. તારા પપ્પા કહેતા હતા કે તારું ક્યાંક ગોઠવાઈ જાય તો આપણા ઘરમાં એક શુભ પ્રસંગ આવે.’ મને તે વખતે સમજાયું કે મને શા માટે લાગતું હતું કે કંઈક ખોટું થવાનું છે. મારાથી બોલાઈ ગયું, ‘મમ્મી તમારે પપ્પાને કહેવું જોઈતું હતું કે એ બધાનું સાટું તમે એકલાએ જ ત્રણ લગ્ન કરીને વાળી નાખ્યું છે.’

 

મને ખબર હતી કે મમ્મીને મારા શબ્દો નહીં ગમે. પણ એ મક્કાર ી એમ હાર માની લે તેવી નથી. તેણે હસી પડતાં કહ્યું, ‘એ વાત ખરી હોં. ચાલ કાર પાછી લે. જોકે મારે આવી ઉતાવળ ન કરવી જોઈએ અને આમેય હું ક્યાં તારી સગી મા છું?’

 

 એ ી એ ક્ષણે ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. મારે ન છુટકે કારને સાઈડમાં પાર્ક કરી તેને શાંત કરવી પડી. ઘડીભર હું ભૂલી ગઈ હતી કે મારી મા મરી ગઈ છે. પણ તે વખતે મને ખબર નહોતી કે મને વળગીને રડી રહેલી ી મને દુનિયામાંથી વિદાય કરી દેવાનું નક્કી કરી રહી હશે.            

 

(ક્રમશ:)