મનોરંજનનું મેઘધનુષ - ઉમેશ ત્રિવેદી
સાઉથની ફિલ્મોમાં અનેરી નામના ધરાવતા યશ અત્યારે ફૂલ ફોર્મમાં છે. આમ તો આજે દક્ષિણની અને હિન્દી ફિલ્મો વચ્ચેની ભેદરેખા હવે ઓછી થઈ ગઈ છે. યશ અત્યારે બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે અને આવતા શુક્રવારે તેની ‘ટોક્સિક’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અનેક ભાષામાં એક સાથે રિલીઝ થવાની છે.
‘ટોક્સિક’માં યશ સાથે એક-બે નહીં, પણ પાંચ-પાંચ હીરોઈનો છે. આ બધી અભિનેત્રીઓની ભૂમિકા યશ જેટલી જ મહત્ત્વની છે. એક મહિલા ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, તારા સુતરિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી છે. આ ફિલ્મની ટેગલાઇન આ ફિલ્મ વિશે ઘણું કહી જાય છે.‘ટોક્સિક: એ ફેઅરી ટેલ ફોર ગ્રોન અપ્સ’.
ફિલ્મમાં યશ ‘ડબલ રોલ’માં છે અને ફિલ્મને એના નામ પ્રમાણે જ ‘એડલ્ટ’નું સર્ટફિકેટ મળ્યું છે. આ ફિલ્મની રજૂઆત બે-ત્રણ વાર પાછી ઠેલાઈ છે અને હવે 26 ઑગસ્ટે આ ફિલ્મ ક્ધનડ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં કિયારા અડવાણીનાં દૃશ્યો સામે લોકોએ વાંધો ઉઠાવ્યો છે. આ સિવાય યશનાં અમુક ફાઇટ દૃશ્યો સામે ખ્રિસ્તી સમાજે વાંધો ઉઠાવ્યો છે. ફિલ્મમાં ‘તબાહી’ નામનું ગીત છે. તેમાં ભરપૂર અશ્ર્લીલતા છે, એવા આરોપને નકારતા યશે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં દર્શાવાયેલાં દૃશ્યો ફિલ્મની વાર્તા અને પાત્રોના સ્વભાવ પર છે. આ ફિલ્મની દિગ્દર્શિકા એક મહિલા છે એટલે તેણે એ ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં નક્કામી અશ્ર્લીલતા ન દર્શાવવામાં આવે.
8 જાન્યુઆરી 1986નાં કર્ણાટકમાં નવીનકુમાર ગોવડા તરીકે જન્મેલાં યશની ફિલ્મ કારકિર્દી 2007માં શરૂ થઈ છે. એ અગાઉ તેણે કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. તેણે મોટાભાગે ક્ધનડ ફિલ્મમાં અભિનય કર્યો છે. 2008માં આવેલી ‘રોકી’ ફિલ્મથી લોકો તેને ઓળખતા થયા છે. આ ફિલ્મે તેને નામ- દામ અપાવ્યા હતા. 2004થી 2007 સુધી તેણે ઈ-ટીવી ક્ધનડ માટે કેટલીક સિરિયલોમાં અભિનય કર્યો હતો.
2007થી ફિલ્મોમાં પ્રવેશ કર્યાં પછી દર વર્ષે તેની ત્રણથી ચાર ફિલ્મો રિલીઝ થતી આવી છે. 2018માં પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત ‘કે.જી.એફ. ચેપ્ટર વન’થી તે દુનિયાભરમાં અને ખાસ કરીને હિન્દી બેલ્ટમાં છવાઇ ગયો હતો. જોકે ‘કે.જી.એફ. ચેપ્ટર વન’ પછી તેણે પોતાની કામ કરવાની રીતમાં ફેરફાર કરી નાખ્યો છે. એક સમયે વર્ષમાં ચાર ફિલ્મ કરનારા યશ હવે ચાર વર્ષે માંડ એકાદ ફિલ્મમાં દેખાય છે. કે.જી.એફ. ચેપ્ટર વન-2018માં આવી હતી. ત્યાર પછી કે.જી.એફ. ચેપ્ટર-ટુ ચાર વર્ષે એટલે 2022માં આવી હતી. આ ફિલ્મમાં દક્ષિણના કલાકારોની સાથે જ બોલિવૂડના કલાકારો હતા. સંજય દત્ત, રવિના ટંડનની સાથે સાઉથના અનેક કલાકારોવાળી આ ફિલ્મને બોકસ ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. ત્યાર પછી ફરી ચાર વર્ષે યશની ‘ટોક્સિક’ ફિલ્મ આવી રહી છે. જોકે યશની અત્યાર સુધીની આ બધી જ ફિલ્મો ક્ધનડ ભાષાની છે. ‘કે.જી.એફ.’ના બે ભાગ હિન્દીમાં પણ રજૂ થયા હતા. ત્યારથી જ તેને રાષ્ટ્રીય સ્તરે સફળતા મળી છે.
યશે પહેલી જ વાર બોલિવૂડની કહી શકાય એવી ફિલ્મ ‘રામાયણ’ સાઇન કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, સન્ની દેઓલ, રવિ દુબે, અનુપમ ખેર, વિવેક ઓબેરોય, અરુણ ગોવિલ, લારા દત્તાની સાથે દક્ષિણની અભિનેત્રીઓ સાઇ પલ્લવી, કાજલ અગરવાલ અને રાકુલ પ્રીત સિંહ છે. લગભગ 4,000 કરોડના ખર્ચે બે ભાગમાં બનનારી આ ફિલ્મના દિગ્દર્શક નિતેન તિવારી છે અને નિર્માતા તરીકે નમિત મલહોત્રા અને યશ છે.
આ ફિલ્મ સાથે સંકળાયા પછી યશે ‘રામાયણ’ના આટલા મોટા બજેટ વિશે જણાવ્યું હતું કે હોલિવૂડની ફિલ્મો પોતાના પ્રચાર માટે ખૂબ જ મોટું ભંડોળ ફાળવે છે અને વિશ્ર્વભરમાં તે રિલીઝ કરવામાં આવે છે. એ જ રીતે ‘રામાયણ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘રામાયણ’નો પહેલો ભાગ આ વર્ષે દિવાળીની આસપાસ રજૂ થશે અને બીજો ભાગ આવતા વર્ષે એટલે 2027માં દિવાળી દરમિયાન રજૂ કરવાની યોજના ઘડવામાં આવી છે.
આમ, યશની આ વર્ષે બે ફિલ્મ રજૂ થશે એક ‘ટોક્સિક’ અને બીજી ‘રામાયણ.’ બંને ફિલ્મમાં યશની ભૂમિકા એકદમ અલગ છે.
યશના જન્મ પછી બે નામ પાડવામાં આવ્યા હતા, જેમાં નવીન અને યશવંતનો સમાવેશ થાય છે. પોતાની અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરતાં અગાઉ જ અનેક લોકોએ તેને નામ બદલવાની શીખામણ આપી હતી. તેનાં પગલે તેણે યશ નામ પસંદ કર્યું હતું.
યશના પિતા અરુણકુમાર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (કેએસઆરટીસી) અને પછી બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસના ડ્રાઇવર તરીકે એમને રોજના રૂ. 14 મળતા હતા. યશને નાનપણથી જ અભિનયમાં રસ હતો. યશના કુટુંબનો એક સ્ટોર હતો, તેમાં તે ઘણી વાર બેસતો હતો, પણ તેને શાળા છોડી અભિનયમાં જ જવું હતું. યશના પિતા એમ ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે. 2003માં યશને એક ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકેની ઓફર આવી, ત્યારે યશના પિતાએ તેની સામે શરત મૂકી હતી કે જો કોઇ કારણસર તે બેંગલોરથી પાછો આવશે તો તેને ફરી જવા દેવામાં નહીં આવે.
યશ એ વાતે કબૂલ થયો, પણ બદ્નસીબે બે દિવસના શૂટિંગ પછી એ ફિલ્મ અભેરાઈએ ચડાવી દેવામાં આવી. યશ પાસે ત્યારે માત્ર રૂૂ. 300 હતા, પણ તે પાછો જવા માગતો નહોતો એટલે તેણે થિયેટર ગ્રૂપ જૉઇન્ટ કર્યું. બી. વી. કારંથના તેણે બેકસ્ટેજ પર કામ કર્યું અને તે સમયે તેને દિવસના રૂ. 50 મળતા હતા. 2004થી યશને અભિનય કરવાની તક મળી. તે સમયે તે ‘બેકઅપ આર્ટિસ્ટ’ એટલે કે કોઈ કલાકાર આવ્યો ન હોય તો એની જગ્યાએ કામ કરવા લાગ્યો અને પહેલી જ વાર તેને બલરામની ભૂમિકા મળી અને 2005માં તેને ટેલિવિઝન સિરિયલમાં કામ કરવાની તક મળી. બસ તે દિ પછી યશને હવે પાછળ ફરીને જોવાની ફુરસદ નથી.
એક સમયે દરરોજના 50 રૂપિયા મેળવતો આ કલાકાર અત્યારે ભારતની સૌથી મોંઘી ફિલ્મનો નિર્માતા છે અને તે ફિલ્મમાં અભિનય પણ કરી રહ્યો છે.
OTTનું હોટસ્પોટ
22થી 28 ઑગસ્ટ દરમિયાન શું જોશો?
નેટફિલક્સ: આ ઓટીટી ચેનલ માટે 28 ઑગસ્ટનો દિવસ ખાસ રહેવાનો છે. 28 ઑગસ્ટે આદિત્ય ચોપરા નિર્મિત, શિવ રવૈલ દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર અભિનીત એકશન ફિલ્મ ‘આલ્ફા’ રજૂ થશે. 28મીથી જ જે.ડી. મજીઠિયા નિર્મિત, આતિષ કાપડિયા લિખત - દિગ્દર્શિત સિરીઝ ‘ચુંબક’નું પ્રસારણ શરૂ થવાનું છે. એમાં સંદીપ ધર, દેવેન ભોજાણી, અમાયશ દસ્તુર, હેલી શાહ, નીના ગુપ્તા, માનસી પારેખ અને સુમિત રાઘવન જેવાં કલાકારો છે.
28 ઑગસ્ટે જ આ ચેનલ પર સાયકોલોજિકલ ક્રાઇમ થ્રીલર ‘ધ વ્હીસપર મેન’ રજૂ થશે. જેના મુખ્ય કલાકારો રોબર્ટ દી નીરો અને આદમ સ્કોટ. 28 ઑગસ્ટે અહીં ઇમોશનલ - રોમાન્ટિક, કૉમેડી ડ્રામા સિરીઝ ‘ઑલ ધ ટ્રુથ ઇન માય લાઇઝ’ રજૂ થશે.
જિયો હોટસ્ટાર: આ ઓટીટી ચૅનલ પર 24 ઑગસ્ટથી યુ.એસ.ઓપન ટેનિસ સ્પર્ધાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. 28 ઑગસ્ટે અહીં સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ મોગલી’ (હિન્દીમાં) રજૂ થશે અને 29 ઑગસ્ટે માઇકલ જેકસનના જીવન પર આધારિત ‘માઇકલ’નું જીવંત પ્રસારણ જોઈ શકાશે.
એમેઝોન પ્રાઇમ: 26 ઑગસ્ટે એમેઝોનની ઓરિજિનલ સિરીઝ ‘ધ લાસ્ટ સનરાઇઝ’, 27 ઑગસ્ટે ‘નિકલ બોટઝ’ અને 28 ઑગસ્ટે એમેઝોનની બીજી ઓરિજિનલ સિરીઝ ‘બેટ્ટી લા ફિઆ’નું પ્રસારણ શરૂ થશે.