ક્લેપ એન્ડ કટ..! - સિદ્ધાર્થ છાયા
અજય દેવગન, હૃતિક રોશન - અભય દેઓલ - ફરહાન અખ્તર, લલિત મોદી
કાયમ ‘સાવધાન રહો, સતર્ક રહો’ કહેતા અનૂપ સોનીનો અવાજ સાંભળવાની આપણને એટલી આદત પડી ગઈ છે કે હવે ‘ક્રાઇમ પેટ્રોલ’માં અજય દેવગન આવશે એટલે આપણને એમાં બાજીરાવ સિંઘમ જ દેખાશે!
વાત એમ છે કે ‘ક્રાઇમ પેટ્રોલ’ની નવી સીઝનમાં અજય દેવગન હોસ્ટ તરીકે જોવા મળવાના છે એટલે કે લાંબા સમયથી આ શોની ઓળખ બની ગયેલા અનૂપ સોનીની જગ્યાએ હવે બોલિવૂડના ‘સિંઘમ’ની એન્ટ્રી થઈ રહી છે. અજય દેવગન આ શોના માધ્યમથી ટેલિવિઝન પર હોસ્ટ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે.
અજય દેવગન અને ક્રાઇમ? આ તો જાણે મેકર્સે એકદમ ગણતરી કરીને કૉમ્બિનેશન બનાવ્યું હોય! પડદા પર પોલીસવાળા બનીને ગુનેગારોની ધોલાઈ કરનારા અજય હવે લોકોને ગુનાથી સાવધાન કરશે. એટલે ‘સિંઘમ’ની સ્ટાઇલમાં ક્રાઈમની વાર્તાઓ સાંભળવાનો અનુભવ થોડો અલગ તો રહેવાનો જ.
બીજી તરફ અનૂપ સોનીએ પણ આ પરિવર્તનને લઈને કોઈ નારાજગી વ્યક્ત કરી નથી. તેમણે અજયને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે ajay આ શોમાં પોતાની સ્ટાઇલ અને પોતાનો દૃષ્ટિકોણ લાવશે એવી તેમને ખાતરી છે. રસપ્રદ વાત એ છે કે અનૂપ અને અજય અગાઉ પ્રકાશ ઝાની ‘ગંગાજલ’ અને ‘અપહરણ’માં સાથે કામ કરી ચૂક્યા છે.
હવે જોવાનું એ છે કે અજય ‘ક્રાઇમ પેટ્રોલ’ને નવી ઓળખ અપાવે છે કે પછી દર્શકો અનૂપ સોનીને યાદ કરીને જ કહે છે ‘સાવધાન... અનૂપભાઈની ખોટ વર્તાઈ રહી છે!’
ઝિંદગી અબ જરૂર ‘મિલેગી’ દોબારા!
કેટલીક ફિલ્મો એવી હોય છે કે એની સિક્વલની ઉતાવળ ફિલ્મના મેકર્સ કરતાં દર્શકોને વધારે હોય! ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ પણ એવી જ ફિલ્મ છે. 2011માં આવેલી આ ફિલ્મને આજે પંદર વર્ષ થઈ ગયાં, છતાં અર્જુન, કબીર અને ઈમરાનની દોસ્તી માટે દર્શકોનો પ્રેમ જરાય ઓછો થયો નથી. હવે આ ફિલ્મનાં ફૅન્સ માટે એક સારા સમાચાર છે કે ઝોયા અખ્તરે ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું હોવાનું ક્ધફર્મ કર્યું છે.
હવે આ સમાચાર સાંભળીને સૌથી પહેલાં તો હૃતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલને તેમના રીએક્શન માટે સોશ્યલ મીડિયામાં શોધવાનું શરૂ કરશો નહીં! કારણ કે ફિલ્મ બનશે ત્યારે જ તેની સ્ટાર કાસ્ટની સત્તાવાર જાહેરાત થશે. ઝોયાએ અગાઉ પણ કહ્યું હતું કે સિક્વલ માત્ર એટલા માટે ન બનવી જોઈએ કે પહેલી ફિલ્મ હિટ થઈ હતી. નવી ફિલ્મ માટે એવી વાર્તા હોવી જોઈએ જે આ ત્રણેય પાત્રને યોગ્ય રીતે આગળ લઈ જાય.
જોકે 2025માં ત્રણેય કલાકારો એક જાહેરાતમાં ફરી સાથે દેખાયા ત્યારે ચાહકો એટલા ખુશ થઈ ગયા હતા કે તેમને લાગ્યું, ‘લ્યો, આવી ગઈ ‘ઝિંદગી ના મિલેગી દોબારા 2!’ પછી ખબર પડી કે એ તો જાહેરાત હતી અને ચાહકોનો ઉત્સાહ સીધો નિરાશામાં ફેરવાઈ ગયો હતો.
હવે સાચે જ સિક્વલ બનવાની તૈયારી છે એટલે ચાહકોને એટલું જ કહેવાનું આ વખતે જાહેરાત આવે ત્યારે પહેલાં ઘોષણા છે કે એડ, એ ચકાસી લેજો!
લલિત મોદી ‘ધ રિયલ બિગ બૉસ’!
સલમાન ખાનના મોસ્ટ અવેટેડ શો ‘બિગ બૉસ 20’નું કાઉન્ટડાઉન શરૂ થતાં જ અફવાઓનું બજાર ચોમાસામાં વેચાતાં ભજીયાં જેવું ગરમ થઈ ગયું છે. સોશ્યલ મીડિયા પર અચાનક એવા ‘બ્રેકિંગ ન્યૂઝ’ ફરતા થયા કે આઇપીએલના જનક અને લંડનવાસી લલિત મોદી હવે બિગ બૉસના ઘરમાં ‘વાઇલ્ડ કાર્ડ’ બનીને કચરા-પોતાં અને રસોડાની ડ્યુટી સંભાળતા જોવા મળશે!
લોકો તો મનોમન સલમાન અને લલિતભાઈના ‘વીકેન્ડ કા વાર’નાં સપનાં પણ જોવા મા્ંયા હતા, પરંતુ આ વાત લલિત મોદી સુધી પહોંચતાં જ તેમણે મોટો બૉમ્બ ફોડ્યો. લલિત મોદીએ સોશ્યલ મીડિયા ‘X’ પર રોષે ભરાઈને લખ્યું: ફેક ન્યૂઝ! મને કોઈએ એપ્રોચ કર્યો નથી, મારો આવો કોઈ ઇરાદો પણ નથી. આજકાલ કોઈને પૂછ્યા વગર જ ન્યૂઝ બની જાય છે!
જોકે વાત અહીં જ પૂરી ન થઈ. મની માઇન્ડેડ લલિતબાબુએ તો આ ફેક ન્યૂઝ ફેલાવનારાઓ અને સેાશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના વકીલો મારફત કાયદેસરની લીગલ નોટિસ જ ફટકારી દીધી!
ખેર, લલિત મોદી લંડનમાં બેસીને આલીશાન જિંદગી માણે છે ત્યારે એ બિગ બૉસના ઘરમાં એક-એક ઈંડા અને ટામેટાં માટે લડવા થોડા આવવાના હતા? અફવા ફેલાવનારાઓને લલિતભાઈએ ચોખ્ખી ચેતવણી આપી દીધી છે કે હવે પછી એમના વિશે કંઈ પણ છાપતાં પહેલાં ખરેખરો ‘બિગ બૉસ’ કોણ છે એ 100 વાર વિચારજો!
કટ એન્ડ ઓકે...
એક સમાચાર : રવીના ટંડન, પરિણીતી ચોપરા, એલ્વિશ યાદવ અને રાજપાલ યાદવ બાદ હવે ફરદીન ખાન તથા મહેશ માંજરેકર ‘માલામાલ વીકલી 2’ની કાસ્ટમાં જોડાઈ ગયાં છે.