Sat Jun 20 2026

Logo

કચ્છ માટે ઐતિહાસિક નિર્ણય: નર્મદા પાઇપલાઇન નજીકના તમામ તળાવો ભરાશે

2026-06-20 10:30:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ રણપ્રદેશ કચ્છ જિલ્લામાં નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના પ્રકલ્પને લઈને રાજ્ય સરકાર દ્વારા વધુ લોકાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નર્મદાની મુખ્ય પાઇપલાઇન જ્યાંથી પસાર થાય છે, તેની બંને તરફના ૭ કિલોમીટરના ક્ષેત્રમાં આવતાં તમામ નાના-મોટા તળાવોને પણ નર્મદાના પાણીથી છલોછલ ભરી દેવામાં આવશે. અગાઉ આ મર્યાદા માત્ર ૩ કિલોમીટરની નક્કી કરાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારો કર્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સિંચાઈ વિભાગના સચિવ પી.સી. વ્યાસે ભુજ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ કરી હતી.

કચ્છ જિલ્લામાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવા માટે સધર્ન, નોર્ધન, સારણ અને બન્ની લિંક કેનાલના ફેઝ ૧ અને ૨ની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. સીમાડાઓ ખોદીને પાઇપલાઇન પાથરવાના આ વિશાળ પ્રકલ્પની ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસવા માટે સિંચાઈ વિભાગના સચિવ પી.સી. વ્યાસ અને મુખ્ય ઇજનેર બારોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ભુજ આવ્યા હતા. અહીં જિલ્લાના તમામ ધારાસભ્યોની હાજરીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં લોકપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના નર્મદાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા ખાતરી માંગી હતી.

બેઠક અંગે સિંચાઈ સચિવ વ્યાસે જણાવ્યું હતું કે, લિંક કેનાલની પાઇપલાઇન મારફતે કચ્છના નાના અને મધ્યમ કક્ષાના સિંચાઈ ડેમો તો ભરવામાં આવશે જ, પરંતુ હવે નવી નીતિ મુજબ ૭ કિલોમીટરની ત્રિજ્યામાં આવતાં સ્થાનિક તળાવો પણ જોડી દેવાશે. આ કામગીરી માટે તળાવોનો નવો સર્વે કરવા તંત્રને આદેશ આપી દેવાયા છે. કચ્છ સિંચાઈ વર્તુળના અધીક્ષક ઈજનેર ચૌધરીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, પ્રાથમિક અંદાજ મુજબ આ દાયરામાં આશરે ૨૦૦ જેટલાં તળાવો આવે છે, જેનો ચોક્કસ સર્વે આજથી જ શરૂ કરી દેવામાં આવશે.

દરમ્યાન, કચ્છમાં સિંચાઈ વિભાગમાં વર્ષોથી ચાલી રહેલી સ્ટાફની તીવ્ર અછતના મુદ્દે સચિવ વ્યાસે સ્વીકાર્યું હતું કે ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, હવે કચ્છમાં ગમે તેવા કર્મચારીઓને મૂકવાને બદલે જેઓ ફિલ્ડ પર ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરી કરી શકે તેવા સક્ષમ અને કર્મનિષ્ઠ અધિકારીઓની જ ખાસ નિયુક્તિ કરવામાં આવી રહી છે, જેથી આ મહત્વકાંક્ષી જળ પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય.

(ઉત્સવ વૈદ્ય)