Thu Jul 23 2026

Logo

અયોધ્યાનો આ હિંદુ યુવક અમદાવાદમાં કેમ બની ગયો મુસ્લિમ ? કોની લાલિયાવાડીથી બન્યું શક્ય ?

2026-07-10 14:59:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અયોધ્યાનો હિંદુ યુવક યોગેન્દ્ર મૌર્ય અમદાવાદમાં અબ્દુલ રહેમાન બની ગયો હતો. પોલીસની લાલિયાવાડીથી આ શક્ય બન્યું હતું. યુવકે પાસપોર્ટ માટે કરેલી અરજીની તપાસ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પડોશમાં રહેતી ખુશનુમા સાથે લગ્ન કર્યા બાદ નિકાહનામા માટે નામ બદલ્યું હોવાનો ખુલાસો થયો હતો. તેણે અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને નવો પાસપોર્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. 

આ યુવક પાસે અગાઉ પણ એક પાસપોર્ટ હતો અને તેણે નવા પાસપોર્ટ માટે અરજી કરતી વખતે પોતાના માતા-પિતાના નામ સહિતની જૂની વિગતો છુપાવી દીધી હતી. પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ વેરિફિકેશન કરતી વખતે આટલી મોટી બાબત પર ધ્યાન ન આપ્યું અને બેદરકારી દાખવી. જો કે, બાદમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ આખું કૌભાંડ પકડાયું હતું.

એક હિન્દુ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને પાસપોર્ટ ઓફિસની બેદરકારીના કારણે પાસપોર્ટ મેળવવામાં સફળ થઈ ગયો હતો. આ ઘટના બાદ આશંકા સેવાઈ રહી છે કે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓએ પણ આવી જ રીતે ખોટા પાસપોર્ટ મેળવ્યા હોઈ શકે, જેની તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

સામાન્ય રીતે જો કોઈ સાચા અરજદારના આધાર કાર્ડ કે અન્ય પુરાવામાં નાની ભૂલ હોય, તો પણ અધિકારીઓ એફિડેવિટ કરાવવાનું કહીને તેને હેરાન કરતા હોય છે. પરંતુ આવા ગંભીર કિસ્સામાં અધિકારીઓની બેદરકારી છતાં હજુ સુધી તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધીને હાંકી કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે. આ તપાસ દરમિયાન પ્રાથમિક રીતે એવું બહાર આવ્યું છે કે કેટલાક બાંગ્લાદેશીઓએ પણ ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવી લીધા છે.