ભુજઃ હવામાન ખાતા તેમજ રાષ્ટ્રીય દરિયાઈ માહિતી સેવા કેન્દ્ર દ્વારા સરહદી જિલ્લા કચ્છના દરિયાકાંઠા વિસ્તાર માટે 'હાઈ વેવ ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ પર પ્રવાસીઓના પ્રવેશ પર બે દિવસ માટે સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે.
ચેતવણી મુજબ, લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩.૨ થી ૩.૬ મીટર સુધીના ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અનંત દ્વાર પાસે પોલીસે બેરિકેડ્સ ગોઠવી દીધા છે તેમજ વિન્ડફાર્મ બીચ પર પોલીસ અને જીઆરડીના જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવાયો છે.
તંત્ર દ્વારા માછીમારો, નાવિકો અને પ્રવાસીઓને દરિયાઈ પ્રવૃત્તિઓથી દૂર રહેવા, બોટ સુરક્ષિત સ્થળે બાંધવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 15 ઇંચથી વધારે, એક તાલુકામાં 11 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 5 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 4 ઇંચથી વધારે, છ તાલુકામાં 3 ઇંચથી વધારે, સાત તાલુકામાં 2 ઇંચથી વધારે, 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 133 તાલુકામાં એક ઇંચ સુધીનો હળવો વરસાદ પડ્યો હતો.
વલસાડના કપરાડામાં 15.63 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 11.02 ઇંચ, નવસારીના ચીખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ, નવસારીના ખેરગામમાં 7.91 ઇંચ, ડાંગના વઘાઈમાં 7.2 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ, સુરતના બારડોલીમાં 5.39 ઇંચ, વલસાડના ઉમરગાવમાં 5.24 ઇંચ, ડાંગમાં 5.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)