Thu Jul 23 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટીમાં વધારો, તંત્રની  નાગરિકોને સાવચેત રહેવા અપીલ

2026-07-22 16:44:00
Author: Mumbai Samachar Team
Article Image

નવસારી: નવસારી જિલ્લાની મુખ્ય નદીઓ ભયજનક સપાટીએ પહોંચી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની ઘટનાઓ વધી રહી છે. પૂર્ણા નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે મનપાની વિશેષ ટીમોને ડ્રેનેજ લાઈનો સાફ કરવાની કામગીરી માટે ખડેપગે રાખવામાં આવી છે.

પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો

આ ઉપરાંત  ઉપરવાસમાં  સતત વરસાદને પગલે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

લાઉડસ્પીકર મારફતે જાહેર અનાઉન્સમેન્ટ

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરી લાઉડસ્પીકર મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. નદીની વધતી જળસપાટી અંગે લોકોને માહિતગાર કરી સતર્ક રહેવા, જરૂરી સાવચેતી રાખવા તથા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ

તેમજ  નાગરિકોને નદી, કાંઠાના વિસ્તારો તથા પાણી ભરાયેલા માર્ગોની નજીક જવાનું ટાળવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા તેમજ માત્ર જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.