Wed Jul 01 2026

Logo

ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી: આ 8 જિલ્લામાં જાહેર કરાયું યલો એલર્ટ

2026-07-01 08:31:02
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સૌથી વધુ 4.54 ઇંચ વરસાદ પડ્યો હતો.એક તાલુકામાં 4 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 3 ઇંચથી વધારે, સાત તાલુકામાં 2 ઇંચથી વધારે, 16 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. છ તાલુકામાં અડધા ઇંચથી વધારે અને 40 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 2 જુલાઈથી ચોમાસું જામશે. હવામાન કેન્દ્ર અમદાવાદ મુજબ, 2 થી 4 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દરિયામાં જોવા મળી રહેલા કરંટના કારણે માછીમારોને દરિયો  ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે પવનની ગતિ વધશે અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

2 જુલાઈના રોજ રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ખાતે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

3થી 6 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, 1 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. બંગાળના ઉપસાગર તરફથી આવતી ચોમાસાની શાખા હજુ સંપૂર્ણ સક્રિય ન હોવાથી વરસાદ ખેંચાયો છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાઈ રહ્યું છે, જેના કારમે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર બંનેની સિસ્ટમ સંયુક્ત રીતે સક્રિય થતાં જ વ્યાપક વરસાદ શરૂ થશે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા છે.  4 જુલાઈ અને તે પછી 16 જુલાઈની આસપાસ પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે.