Thu Jul 23 2026

Logo

દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું, વલસાડ જિલ્લામાં 63 ઇંચથી વરસાદથી જળબંબોળ

2026-07-22 07:53:00
Author: Mayur Patel
Article Image

AI Image


અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. આગામી 24 થી 48 કલાક સમગ્ર રાજ્ય માટે ભયજનક સાબિત થઈ શકે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદ તૂટી પડશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં  173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં 63 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લામાં ખાબકેલા સાંબેલાધાર વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 15 ઇંચથી વધારે, એક તાલુકામાં 11 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 5 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 4 ઇંચથી વધારે, છ તાલુકામાં 3 ઇંચથી વધારે, સાત તાલુકામાં 2 ઇંચથી વધારે, 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 133 તાલુકામાં એક ઇંચ સુધીનો હળવો વરસાદ પડ્યો હતો.

વલસાડના કપરાડામાં 15.63 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 11.02 ઇંચ, નવસારીના ચીખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ, નવસારીના ખેરગામમાં 7.91 ઇંચ, ડાંગના વઘાઈમાં 7.2 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ, સુરતના બારડોલીમાં 5.39 ઇંચ, વલસાડના ઉમરગાવમાં 5.24 ઇંચ, ડાંગમાં 5.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

નવસારીના ગણદેવીમાં 4.72 ઇંચ, સુરતના પલસાણામાં 4.69 ઇંચ, સુરત શહેરમાં 4.25 ઇંચ, સુરતના અંબિકામાં 4.21 ઇંચ, ડાંગના સુબીરમાં 4.13 ઇંચ, તાપીના ડોલવણમાં 3.9 ઇંચ, સુરતના મહુવામાં 3.54 ઇંચ, નવસારીમાં 3.54 ઇંચ, નવસારીના જલાલપોરમાં 3.46 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.23 ઇંચ, તાપીના ઉકાઈમાં 3.03 ઇંચ, ભરૂચના હાંસોટમાં 2.83 ઇંચ, તાપીના ઓલપાડમાં 2.83 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 2.72 ઇંચ, તાપીના વાલોડમાં 2.52 ઇંચ, સુરતના કામરેજમાં 2.40 ઇંચ, તાપીના સોનગઢમાં 2.36 ઇંચ, સુરતના માંગરોળમાં 2.13 ઇંચ, ભરૂચના વાલીયામાં 1.89 ઇંચ, સુરતના અરેઠમાં 1.81 ઇંચ, સુરતના માંડવીમાં 1.61 ઇંચ, વડોદરામાં 1.46 ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં 1.42 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 1.3 ઇંચ, આણંદના ખંભાતમાં 1.14 ઇંચ, તાપીના ઉચ્છલમાં 1.10 ઇંચ, ભરૂચમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 22 જુલાઈ 2026ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

23થી 27 જુલાઈ ક્યાં પડી શકે છે ભારે વરસાદ

23થી 27 જુલાઈ 2026 દરમિયાન નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં આજે ભારે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.