રાજકોટ: રાજકોટમાં દિવસભર ભારે ગરમી અને બફારા બાદ બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી.
મુશળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
સવારથી જ ભારે ઉકળાટ અને ભેજને કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા, પરંતુ વરસાદ શરૂ થતાં જ વાતાવરણ ખુશનુમા બન્યું અને રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. વરસાદને લઈને બાળકો અને યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે અનેક લોકોએ વરસાદની મજા માણી.
વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ શરૂ થતાં માધાપર ચોકડી, કેકેવી હોલ, રેસકોર્સ રીંગરોડ, બહુમાળી ભવન, મવડી ચોકડી, ગોંડલ રોડ, રેલ્વે સ્ટેશન, ગ્રીનલેન્ડ ચોકડી, યાજ્ઞિક રોડ, રેલનગર, લીમડા ચોક અને જામનગર રોડ અને હુડકો ચોકડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા નાના બાળકો શેરીઓમાં દોડી આવ્યા અને વરસાદની મજા માણતા નજરે પડ્યા
ધીમી ધારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ રસ્તો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.