Thu Jul 23 2026

Logo

હર્ષ સંઘવી એકશન મોડમાંઃ સુરતને બેઠું કરવા અડધી રાત્રે ઘરે ઘરે ફરી લોકો સાથે વાત કરી, બેઠકો કરી.....

2026-07-10 14:17:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત શહેરના અસરગ્રસ્ત વિસ્તારને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી બેઠું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે  સુરતના મજૂરાના ધારાસભ્ય અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી એકશન મોડમાં આવ્યા છે.  પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યપ્રધાન  હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આપત્તિના આ સમયમાં કોઈપણ પ્રકારની ઢીલાશ વગર નાયબ મુખ્યપ્રધાને મુખ્ય ત્રણ બાબતો ભરાઈ ગયેલા પાણીના યોગ્ય અને ત્વરિત નિકાલ, યુદ્ધના ધોરણે સફાઈ અને નાગરિકોનું સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર મૂક્યો હતો. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી તમામ દુકાનો, વેપાર-રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી ૪૮ થી ૭૨ કલાકની અંદર ધમધમતું કરવા માટે તંત્રને સ્પષ્ટ અને કડક આદેશ આપવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યપ્રધાન  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે તંત્ર રાત-દિવસ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરના અંદાજે ૯૧૦૦ જેટલા પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી ૮૦૦ થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ લેખે ઘરવખરી અને કેશડોલ તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આજે મોડી રાત સુધીમાં આ સહાય પહોંચાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે.

તેમણે ઉમેર્યું કે, સુરત શહેરના ૫૮ જેટલા નાના-મોટા ગલી-મહોલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં બજારો તથા દુકાનોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ સર્વેના આધારે સરકારી સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આવા સંજોગોમાં વેપારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને અગાઉથી જ ડેટા તૈયાર કરી રહ્યું છે.

આ ઉપરાંત હર્ષ સંઘવીએ કહ્યું, મનપાની આરોગ્ય ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર હેલ્થ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની દરરોજ સાંજે 7 વાગ્યે કલેક્ટર અને મનપા કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીને ઇન્ચાર્જ બનાવી વિશેષ ટીમ તૈનાત કરાઈ છે. વીજ પુરવઠા અંગે ડીજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે સમીક્ષા કરાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃ સ્થાપિત કરી દેવાઈ છે, પરંતુ હજુ પણ જે 6 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, ત્યાં સુરક્ષાના ભાગરૂપે પાણીનો સંપૂર્ણ નિકાલ થયા બાદ જ વીજ પુરવઠો ચાલુ કરવાનો કડક આદેશ અપાયો છે.

જો કોઈ વિસ્તાર કે સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય, તો તેના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકોના ફોન આવતા જ ત્યાં સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વે કરાવવામાં આવશે.

આપત્તિની આ ઘડીમાં સમગ્ર સરકારી તંત્ર, પ્રશાસન અને કોર્પોરેશન રાત-દિવસ એક કરીને સુરતના નાગરિકોની સુરક્ષા અને સુવિધા આપવા કાર્યરત છે. ખૂબ જ ટૂંકા સમયમાં સુરત ફરી એકવાર અણનમ ઊભું થઈને દેશના વિકાસ એન્જિન તરીકે ધમધમતું થઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ નાયબ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.