Tue Jun 23 2026

Logo

અરે વાહ! એક જ બસમાં સ્માર્ટ ક્લાસ, આરોગ્યની તપાસ અને રમત-ગમતના સાધનો: અગરિયાના બાળકો માટે અદભુત ભેટ

2026-06-23 19:27:14
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ શિક્ષણ માત્ર મહાનગરો પૂરતું સિમિત ન રહે પણ છેવાડાના માણસ સુધી પણ પહોંચવું જોઈએ. આ વાતને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન 'સ્કૂલ ઓન વ્હીલ્સ' 'રણશાળા' પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યરે રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'ના ભવ્ય પ્રારંભે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી આ 28 રણશાળાનું બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં 'રણશાળા'ના એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી ક‌ઈ રીતે તેનો બેસ્ટ ઉપયોગ થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ 28 રણ શાળા ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારોમાં મોકલવામાં આવશે. 

આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર 20 થી વધુ બાળકો માટે સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન  ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેમના બાળકોને ભણવા માટે ક્યાંકને ક્યાંક દૂર જવું ન પડે તે માટે  પ્રત્યેક બાલકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, આ બસો જે બિન ઉપયોગી હાલતમાં હતી એ જ બસ આજે  શાળાનો ઉત્તમ ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવશે જેથી છેવાડાનો એકપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેમ, તેમણે ઉમેર્યું હતું.

દરેક મોબાઈલ સ્કૂલ GSRTCની નિવૃત્ત બસોને આધુનિક શિક્ષણ સ્પેસમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવી છે. આ બસો 3.8 KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છે, જે વીજળીના જોડાણ વિના પણ 48 કલાક સુધી બસ કાર્યરત રાખવા સક્ષમ છે. આ સોલાર સંચાલિત ક્લાસરૂમમાં ૪૩ ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલો, એફએમ રેડિયો, ડિજિટલ ઘડિયાળ, એલઇડી લાઇટિંગ સિસ્ટમ, વોલ ફેન અને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણને સપોર્ટ કરતા લર્નિંગ એઇડ્સ એટલે કે શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પડકારજનક અને વિષમ આબોહવા વચ્ચે પણ બાળકો ઉત્સાહભેર અભ્યાસ કરી શકે તે માટે ક્લાસરૂમને આરામદાયક બનાવવામાં આવ્યા છે. જેમાં પોર્ટેબલ સ્ટડી ટેબલ અને બેઠક વ્યવસ્થા, ફોલ્ડ કરી શકાય તેવા આઉટડોર શેડ્સ -શેડ નેટ, અલગ કરી શકાય તેવા બ્લેકબોર્ડ અને વ્હાઇટબોર્ડ, નોટિસ બોર્ડ, શુદ્ધ પીવાના પાણીની સિસ્ટમ, વોશ બેસિન, વોટર સ્ટોરેજ ટેન્ક, શિક્ષકો માટે અલગ કેબિન અને સમર્પિત લાઇબ્રેરી સ્પેસનો સમાવેશ થાય છે.

વધુમાં,બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે, બસમાં ઇન્ડોર અને આઉટડોર મનોરંજનની સુવિધાઓ જેવી કે લુડો, સાપ-સીડી, સમયની વિભાવનાઓ શીખવા માટે મોડેલ ક્લોક, હિંચકા, લપસણી અને બાસ્કેટબોલ સેટઅપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેલ્થ મોનિટરિંગ માટે ડિજિટલ વેઇંગ સ્કેલ, હાઇટ મેઝરમેન્ટ સિસ્ટમ અને બીએમઆઈ (BMI) ચાર્ટ પણ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરક્ષા અને સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક બસ ઇમરજન્સી એક્ઝિટ -આકસ્મિક નિકાસ, અગ્નિશામક ઉપકરણો, ફર્સ્ટ-એઇડ કીટ, ડસ્ટબિન અને સેનિટાઇઝેશન કીટથી સજ્જ છે. આ સાથે જ બસની અંદર અને બહાર આકર્ષક શૈક્ષણિક ગ્રાફિક્સ, આર્ટવર્ક, રાષ્ટ્રીય પ્રતીકો અને શિક્ષણલક્ષી વિઝ્યુઅલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે જેથી અભ્યાસનું ઉત્સાહજનક વાતાવરણ ઉભું કરી શકાય.