Thu Jul 23 2026

Logo

હર્ષ સંઘવીએ ક્યા પોલીસ અધિકારીને વેપારીઓના નુકસાનની ભરપાઈ ની કાર્યવાહીનો આપ્યો આદેશ ?

2026-07-10 12:54:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ હર્ષ સંઘવીએ સુરતમાં વરસાદી પાણીનો નિકાલ થયા બાદ ગ્રાઉન્ડ સ્તરે જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે ACP પી કે પટેલને અધિકારીઓને વેપારીઓના નુકસાનની ભરપાઈની કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સુરતમાં પોદ્દાર આર્કેડ પહોંચીને વરસાદથી થયેલા નુકસાનની વિગતવાર સમીક્ષા કરતી વખતે તેમણે આમ કહ્યું હતું.

હર્ષ સંઘવીએ કહ્યું, તમને જે નુકસાન થયું હોય તેનો મોબાઈલથી એક વીડિયો ઉતારી લેજો. સર્વેની ટીમ આવશે, સર્વેયર સાથે બેસીને વકીલ સાહેબ મદદ કરજો. એના સિવાય કોઈની પાસે મોબાઈલ રિપેરિંગમાં આવ્યો હોય અને કોઈ હેરાનગતિ હોય, કોઈ અમાનવીય વ્યવહાર કરે તો ACP પી કે પટેલ અને ટીમને મેં કહ્યું છે. તમે સાંજે બેસીને એક મીટિંગ કરી લેજો, તમારામાંથી પાંચ જણાને કલેકટર ઓફિસમાં બોલાવાશે, હું પોતે ત્યાં હાજર રહીશ અને શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું. ઈલેક્ટ્રિસિટી ભૂલથી પણ ચાલુ થઈ જાય તેવું કોઈ કામ કરતા નહીં. આટલું બધું નુકસાન બાદ પણ તમારા બધામાં જે આત્મીયતા છે, હિંમત છે તેને વંદન કરું છું. સરકારમાંથી જેટલી મદદ અપાવશે તેમાં સુરતની આ ટીમ છે તે શક્ય તેટલી મદદ કરશે.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, સુરતમાં પોદ્દાર આર્કેડ પહોંચીને વરસાદથી થયેલા નુકસાનની વિગતવાર સમીક્ષા કરી. ગ્રાઉન્ડ લેવલ પર જઈને સ્થાનિક નાગરિકો તેમજ વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ ગંભીરતાપૂર્વક સાંભળી અને વર્તમાન પરિસ્થિતિઓની વિગતવાર માહિતી મેળવી. અમારી પ્રાથમિકતા માત્ર સ્થિતિનું નિરીક્ષણ કરવાની નથી, પરંતુ પ્રભાવિત લોકોની તમામ સંભવ સહાય સુનિશ્ચિત કરવાની છે. સંબંધિત અધિકારીઓ સાથે સંકલન સાધીને પાણી ભરાવા, ક્ષતિગ્રસ્ત માળખાકીય સુવિધાઓ તેમજ અન્ય સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા.