Sat Sep 05 2026

Logo

હાર્દિકને આ શરત સાથે કમબૅક કરવું છે, ગુજરાત ટાઇટન્સના ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે...

2026-08-12 12:24:00
Author: Ajay Motiwala
હાર્દિકને આ શરત સાથે કમબૅક કરવું છે, ગુજરાત ટાઇટન્સના ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે...

અમદાવાદ: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મુંબઇ ઇન્ડિયન્સ (MI) સાથેના કનેક્શનનો અંત આવી રહ્યો છે ત્યારે ચેન્નઈ તેમ જ કોલકાતા સહિત પાંચ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં હાર્દિકને સમાવવા તત્પર છે એવી અટકળો વચ્ચે આ પ્રકરણમાં નવો ફણગો ફૂટ્યો છે. હાર્દિકને ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમમાં પાછા જવું છે અને કહેવાય છે કે જીટીનું ફ્રેન્ચાઇઝી પણ તેને ફરી આવકારવા તૈયાર છે, પરંતુ હાર્દિકે એક શરત મૂકી જેને લીધે મંત્રણા પડી ભાંગી હોવાનું મનાય છે.

મંત્રણા સફળ થવાની જ હતી ત્યાં...

જીટીના માલિકો સાથેની હાર્દિક (Hardik)ની વાટાઘાટ નિર્ણાયક તબક્કામાં જ હતી ત્યાં હાર્દિકની એક શરત જીટીને મંજૂર નહોતી એવું કહેવાય છે.

વર્તમાન કેપ્ટન ગિલની પણ હાર્દિક માટે ‘હા' હતી

2022માં જીટીએ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને પહેલા જ વર્ષમાં હાર્દિકની કૅપ્ટન્સીમાં જીટીએ ટાઈટલ જીતીને આ ટૂર્નામેન્ટમાં નવો ઇતિહાસ સર્જ્યો હતો. ત્યાર પછીના વર્ષમાં (2023માં) હાર્દિકના જ સુકાનમાં જીટીની ટીમ રનર-અપ થઈ હતી. જોકે 2024માં હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો આવ્યો અને તેને રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો જે વિવાદ આજ સુધી ચર્ચામાં છે. હવે જ્યારે હાર્દિકને જીટીમાં પાછા આવવું છે તો એ માટે વર્તમાન કૅપ્ટન શુભમન ગિલનો અભિગમ પણ સકારાત્મક છે. હાર્દિકના કમબૅક માટે શુભમન ગિલે જીટીના માલિકોને ‘હા' કહી હોવાનું મનાય છે.

વાટાઘાટ પડી ભાંગી

જોકે હાર્દિક પંડ્યાએ કૅપ્ટન્સી પાછી સોંપવામાં આવે તો જીટીમાં પાછા આવવાની તૈયારી બતાવી જેને પગલે હાર્દિકની જીટીના ફ્રેન્ચાઇઝી સાથેની વાટાઘાટ પડી ભાંગી છે.

શરત બની ડીલ-બ્રેકર?

બીજી રીતે કહીએ તો અહેવાલો જણાવે છે કે કમબૅક બાબતમાં હાર્દિકનું જીટીના  મૅનેજમેન્ટ સાથે ડીલ થવાની તૈયારીમાં જ હતું, પરંતુ કૅપ્ટન્સીની હાર્દિકની કથિત માગણી આ પ્રકરણમાં ડીલ-બ્રેકર બની ગઈ.

હાર્દિક તરફથી શું કહેવાયું છે?

જોકે હાર્દિકના કૅમ્પમાંથી એવી વાત જાણવા મળી છે કે હાર્દિકે ટ્રાન્સફર ટ્રેડ વિશે આઈપીએલના કોઈપણ ફ્રેન્ચાઇઝી સાથે સીધી વાટાઘાટ કરી જ નથી.