Fri Apr 24 2026

Logo

હાર્દિક પંડ્યાને કૅપ્ટન્સી નથી આવડતી? ઇરફાન પઠાણ એવા અર્થમાં કહે છે કે...

2026-04-24 19:43:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ આઇપીએલ-2026માં સાતમાંથી પાંચ મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) ટીમના સુકાની હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સી પર સવાલ ઊભા થઈ રહ્યા છે અને તેના જ શહેર વડોદરાનો ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર ઇરફાન પઠાણ (Irfan Pathan) હાર્દિકની નેતૃત્વ સંભાળવાની ક્ષમતા સામે સવાલ રજૂ કર્યા છે.

બન્યું એવું કે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ઓપનર સંજુ સૅમસને આ વખતની સીઝનમાં બીજી સેન્ચુરી પૂરી કરી એ પહેલાં હાર્દિક (Hardik)ના એક નિર્ણયે ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા હશે. તેણે પોતે ચારને બદલે માત્ર બે ઓવર બોલિંગ કરી હતી અને સૅમસન જેવા દિગ્ગજ બૅટ્સમૅન કે જે સેન્ચુરીની નજીક પહોંચ્યો હતો તેની સામે નવાસવા પેસ બોલર ક્રિશ ભગતને 16મી અને 20મી ઓવર આપી હતી.

ઇરફાન પઠાણે એને ખોટો નિર્ણય ગણાવ્યો છે. તેણે કહ્યું કે `સેટ થઈ ગયેલા બૅટ્સમૅન સામે મહત્ત્વની ઓવર બિનઅનુભવી યુવા બોલરને આપવી એ નિર્ણય ઠીક ન કહેવાય. ખુદ કૅપ્ટને એ જવાબદારી ઉપાડવી જોઈતી હતી. ક્રિશ ભગત (Krish Bhagat)ની એ બે ઓવરમાં 31 રન બન્યા હતા જે ટીમ માટે નુકસાનરૂપ બન્યા હતા અને અધૂરામાં પૂરું, સૅમસન તેની (ક્રિશ ભગતની) 20મી ઓવરમાં સેન્ચુરી પૂરી કરવામાં સફળ રહ્યો હતો.

ઇરફાન પઠાણે પોતાની યુટ્યૂબ ચૅનલ પર હાર્દિક પંડ્યા વિશે એવું પણ કહ્યું કે `મૅચની 16મી ઓવર એવા બોલરને આપવામાં આવે છે જે આઇપીએલમાં તેની બીજી જ મૅચ રમી રહ્યો હતો. તેને એ ઓવર એવા તબક્કે અપાઈ જ્યારે સૅમસન જેવો મોટા ગજાનો બૅટ્સમૅન બહુ સારા ફૉર્મમાં હતો. એ નિર્ણય કોઈ જ રીતે ઠીક નહોતો. ત્યાર બાદ અંતિમ ઓવર પણ તેને જ આપવામાં આવી. ખુદ હાર્દિકે એ ઓવર બોલિંગ કરવી જોઈતી હતી. કૅપ્ટન તરીકે તેણે સક્રિય રહેવું જોઈતું હતું.'

ઇરફાને બૅટિંગની બાબતમાં પણ હાર્દિકની ટીકા કરી હતી. તેણે કહ્યું કે `2023ની સાલ પછી હાર્દિક એક પણ હાફ સેન્ચુરી નથી ફટકારી શક્યો. સ્ટાન્સમાં ફેરફાર કરવાને કારણે તે પેસ બોલર્સ સામે તો સારું પર્ફોર્મ કરી રહ્યો છે, સ્પિન સામે તે નબળો પડી રહ્યો છે. આ મૅચમાં પણ તેણે ફક્ત એક રન કર્યો. તે બૅટિંગમાં આવ્યો ત્યારે ટીમ પર મોટું દબાણ તો હતું જ. તેણે ખાસ કરીને સ્પિનર સામે ફૂટવર્ક સરખું રાખવું પડશે.'