અમદાવાદઃ ગુજરાતમાં મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએચએફએસ)-6 મુજબ ઘર અને ખેતીકામમાં મોટું યોગદાન આપવા છતાં માત્ર 16 ટકા મહિલાઓ જ ઘર કે જમીનની માલિકી ધરાવે છે, જે આર્થિક સ્વતંત્રતા અને નિર્ણયો લેવાની ક્ષમતાનો એક મુખ્ય સંકેત માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 ગુજરાતમાં માત્ર 16% મહિલાઓ જ ઘર અથવા જમીનની માલિકી ધરાવે છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારની માત્ર 46.2% મહિલાઓ પાસે જ મોબાઈલ ફોનની સુવિધા છે અને રાજ્યમાં દર ચારમાંથી આશરે એક મહિલા ક્યારેય શાળાએ ગઈ નથી. સર્વે એ પણ દર્શાવે છે કે માત્ર 38.6% મહિલાઓએ જ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે.
શિક્ષણ ક્ષેત્રે હજુ પણ મોટો પડકાર
મહિલા સશક્તિકરણનો પાયો ગણાતું શિક્ષણ આજે પણ ઘણી મહિલાઓ માટે એક મોટો પડકાર છે. સર્વેમાં સામે આવ્યું છે કે, રાજ્યની આશરે 25% મહિલાઓ ક્યારેય શાળાએ ગઈ જ નથી. દર 10માંથી 4 કરતાં પણ ઓછી મહિલાઓએ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની તકો મર્યાદિત હોવાને કારણે આ તફાવત ખૂબ જ ચિંતાજનક છે.
ડિજિટલ ડિવાઈડ: અડધાથી વધુ ગ્રામીણ મહિલાઓ મોબાઈલથી વંચિત
આ રિપોર્ટ ડિજિટલ ક્ષેત્રે પણ એક મોટી ખાઈ તરફ ઈશારો કરે છે. આજના યુગમાં જ્યાં માહિતી, સરકારી સેવાઓ, બેંકિંગ, આરોગ્ય અને રોજગારી જેવી બાબતો ટેક્નોલોજી પર નિર્ભર છે, ત્યાં ગ્રામીણ વિસ્તારની અડધાથી વધુ મહિલાઓ પાસે હજુ પણ પોતાનો મોબાઈલ ફોન નથી. ગ્રામીણ મહિલાઓમાં મોબાઈલની માલિકી માત્ર 46.2% જ છે, જે તેમને ડિજિટલ અર્થતંત્રમાં ભાગ લેતા અને જરૂરી સેવાઓ મેળવતા રોકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ આંકડાઓ રાજ્યમાં મહિલા સશક્તિકરણના મોટા-મોટા દાવાઓને પડકારે છે અને આ દિશામાં ચોક્કસ નીતિઓ બનાવીને કામ કરવાની તાતી જરૂરિયાત હોવાનું દર્શાવે છે.