Wed Jul 01 2026

Logo

નવસારીમાં 5 ઇંચ, 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ; રાજ્યમાં આજે અહીં છે ભારે વરસાદની શક્યતા

2026-07-01 08:06:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સૌથી વધુ 4.54 ઇંચ વરસાદ પડ્યો હતો.

16 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ

એક તાલુકામાં 4 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 3 ઇંચથી વધારે, સાત તાલુકામાં 2 ઇંચથી વધારે, 16 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. છ તાલુકામાં અડધા ઇંચથી વધારે અને 40 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

કયા તાલુકામાં કેટલો વરસાદ

નવસારીમાં સૌથી વધુ 4.54 ઇંચ, જલાલપોરમાં 3.50 ઇંચ, કામરેજમાં 3.46 ઇંચ, સાવરકુંડલામાં 3.11 ઇંચ, વલસાડમાં 3.03 ઇંચ, સુરત શહેરમાં 2.08 ઇંચ, ધરમપુરમાં 2.76 ઇંચ, પારડીમાં 2.4 ઇંચ, અંકલેશ્વરમાં 2.32 ઇંચ, ઓલપાડમાં 2.32 ઇંચ, વાપીમાં 2.02 ઇંચ, ચીખલીમાં 2.05 ઇંચ, પલસાણામાં 1.93 ઇંચ, વસોમાં 1.85 ઇંચ, નાનાપોંઢામાં 1.77 ઇંચ, મહુવામાં 1.61 ઇંચ, અંબીકામાં 1.61 ઇંચ, વઘઈમાં 1.61 ઇંચ, બારડોલીમાં 1.54 ઇંચ, હાંસોટમાં 1.5 ઇંચ, ખેરગામમાં 1.34 ઇંચ, ઉનામાં 1.34 ઇંચ, ચોર્યાસીમાં 1.3 ઇંચ, વાલોડમાં 1.22 ઇંચ, ઉમરગાવમાં 1.22 ઇંચ, માંગરોળમાં 1.18 ઇંચ, ડોલવણમાં 1.1 ઇંચ, ગણદેવીમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો. 46 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ ખાતે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 2 જુલાઈથી ચોમાસું જામશે. હવામાન કેન્દ્ર અમદાવાદ મુજબ, 2 થી 4 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દરિયામાં જોવા મળી રહેલા કરંટના કારણે માછીમારોને દરિયો  ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે પવનની ગતિ વધશે અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

2 જુલાઈના રોજ રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ખાતે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

03થી 06 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, 1 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. બંગાળના ઉપસાગર તરફથી આવતી ચોમાસાની શાખા હજુ સંપૂર્ણ સક્રિય ન હોવાથી વરસાદ ખેંચાયો છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાઈ રહ્યું છે, જેના કારમે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર બંનેની સિસ્ટમ સંયુક્ત રીતે સક્રિય થતાં જ વ્યાપક વરસાદ શરૂ થશે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા છે.  4 જુલાઈ અને તે પછી 16 જુલાઈની આસપાસ પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે.