Thu Jul 23 2026

Logo

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં ક્યારથી વરસાદ ફરી બોલાવશે રમઝટ ?

2026-07-17 09:50:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશર મજબૂત બનીને ઓડિશા તરફ આગળ વધ્યું છે. તેની અસરથી અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચાશે, જેના લીધે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જામવાની શક્યતા છે. રાજ્યમાં 19 જુલાઈથી વરસાદ ફરી રમઝટ બોલાવશે.

દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની વધુ શક્યતા છે. કચ્છ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હાલ આગામી 2-4 દિવસ વરસાદની શક્યતા થોડી ઓછી છે, પરંતુ વાદળો બંધાવાના કારણે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ગુજરાતની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગના મોડલ મુજબ, આગામી 24-25 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જોકે, ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી. જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે તેમને આ વરસાદથી ફાયદો થશે, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં જ્યાં વાવણી બાકી છે, ત્યાં ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. 27-28 તારીખ આસપાસ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો ભારે વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતને કેવી રીતે અસર કરે છે?

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હાલ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોની આસપાસ જ છે. આ સિસ્ટમ ખૂબ ધીમે ધીમે આગળ વધી રહી છે.  હવામાનનાં કેટલાંક મોડલો અનુસાર એટલે કે લગભગ 24થી 25 જુલાઈ સુધી આ સિસ્ટમ પૂર્વ અને ઉત્તરનાં રાજ્યો તરફ જ અસર કરશે.

હાલની સ્થિતિમાં આ સિસ્ટમ આગળ વધીને સીધી ગુજરાત તરફ આવે એવી શક્યતા નથી. એટલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા ઓછી છે. 25 જુલાઈ બાદ આ લો-પ્રેશર એરિયા મધ્ય ભારત કે ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. પરંતુ એ ગુજરાત નજીક આવે તો જ તેની અસર થવાની શક્યતા છે.

હાલની સ્થિતિમાં ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ રાજસ્થાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસર ગુજરાતને થવાની શક્યતા છે. જેના કારણે ધીરે-ધીરે રાજ્યમાં વરસાદનું પ્રમાણ અને વરસાદ પડશે એ વિસ્તારોમાં થોડો વધારે થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે અડધો જુલાઈ પૂરો થઈ ગયો છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરતો વરસાદ નથી.