અમદાવાદ: આ વર્ષે ગુજરાતમાં માવઠાને પૂર્ણ વિરામ લાગી રહ્યું નથી. રાજ્યમાં આજે અનેક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,ભરૂચ તેમજ ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે હળવા વરસાદ પડવાની આગાહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 36.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 36.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 35.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 34.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 34 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 33.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત અને વડોદરા, ભરૂચ, નર્મદા જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જોકે, અમદાવાદમાં આ દરમિયાન આકાશ મુખ્યત્વે આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
વરસાદની સાથે સાથે ૭ એપ્રિલના રોજ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા થવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ બદલાતા હવામાનને કારણે ઉભા પાક અને બાગાયતી ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ રાજ્યભરમાં ગરમીનો પારો ધીમે-ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધવાની શક્યતા છે. ૮ એપ્રિલથી ફરી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક થઈ જશે.