Sun Jun 21 2026

Logo

ગુજરાતમાં ચોમાસું જામ્યું: આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો આગામી 5 દિવસ કેવો રહેશે માહોલ

2026-06-21 08:42:00
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં તો કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે 10 જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વલસાડ, અમરેલી,  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતાની આગાહી કરી છે. 

આજે આ 10 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

ખાસ કરીને વાત કરવામાં આવે તો તારીખ 23 જૂન દરમિયાન મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. 

23 જૂનથી વરસાદનું જોર વધશે: આ વિસ્તારોમાં જામશે માહોલ

આગાહી પ્રમાણે 24 થી 26 જૂન  ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં મુખ્યત્વે શુષ્ક વાતાવરણ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. સપ્તાહના અંત તરફ જતાં વરસાદનું જોર ઉત્તર અને પશ્ચિમ ભાગોમાંથી સંપૂર્ણપણે ઘટી જશે અને દક્ષિણ સરહદો તરફ સીમિત થશે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોની વાત કરવામાં આવે તો, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ-દમણના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.     

 

ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પહોંચી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા ઓછામાં ઓછા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી ખૂબ ભારે અથવા અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.આજે  ઉત્તરપૂર્વ, પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ભારેથી ખૂબ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.