Thu Jul 23 2026

Logo

સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા અંબાલાલને કઈ આગાહી માટે ભાજપ સરકારે જેલમાં પૂરેલા ? વરસાદની આગાહી ક્યાંથી શીખ્યા ?

2026-07-16 18:41:21
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ જે એક નામ દરેક ખેડૂત અને સામાન્ય નાગરિકના મુખે અચૂક સાંભળવા મળે તે છે અંબાલાલ પટેલ. તાજેતરમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સાથેના વિવાદ બાદ તેમણે આગાહી કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મધ્યસ્થી બાદ તેઓ ફરી માની ગયા છે.

અંબાલાલ પટેલનો પરિચય અને શિક્ષણ

અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. ખેતીવાડી સાથે નાનપણથી જ જોડાયેલા હોવાને કારણે તેમને ધરતી અને આકાશના બદલાતા મિજાજમાં હંમેશા રસ રહ્યો હતો. તેમણે આણંદની પ્રતિષ્ઠિત 'બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર' માંથી કૃષિ વિષય સાથે B.Sc. (Agriculture) ની પદવી મેળવી છે. નોકરીની વાત કરવામાં આવે તો, વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં 'બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર' તરીકે જોડાયા હતા. પોતાની મહેનત અને ક્ષમતાના જોરે તેઓ પ્રગતિ કરીને મદદનીશ ખેતી નિયામક જેવા ઉચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. તેમણે ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરીમાં સેવાઓ આપી અને સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતાં.

કૃષિ વૈજ્ઞાનિકથી હવામાન નિષ્ણાત કેવી રીતે બન્યા?

અંબાલાલ પટેલ સત્તાવાર રીતે કોઈ હવામાન વિભાગના વૈજ્ઞાનિક નથી, પરંતુ તેમની પાસે કૃષિ જ્ઞાનની સાથે જ્યોતિષ શાસ્ત્રનો બહોળો અનુભવ છે. સરકારી નોકરી દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરતી વખતે તેમને સમજાયું કે જો વરસાદની આગોતરી માહિતી મળી જાય, તો ખેડૂતો પાકના નુકસાનથી બચી શકે છે. આ વિચાર સાથે તેમણે પ્રાચીન ભારતીય ગ્રંથો જેવા કે, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા, વરસાદનો વરતારો અને નક્ષત્રોની ચાલનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો હતો. આ ગ્રંથો અને ખગોળીય સ્થિતિના આધારે તેમણે વર્ષ 1980માં પોતાની પ્રથમ હવામાન આગાહી કરી હતી. ત્યારથી લઈને આજદિન સુધી છેલ્લા 45 વર્ષથી તેઓ ઠંડી, ગરમી, વાવાઝોડું અને વરસાદની નિયમિત આગાહીઓ કરતા આવ્યા છે. અંબાલાલ પટેલને નિઃસ્વાર્થ સેવા માટે આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંસ્થા દ્વારા સન્માન, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા પુરસ્કાર અને ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી જેવા ઘણા સન્માન મળ્યા છે.

જ્યારે ભૂકંપની આગાહી ભારે પડી અને ધરપકડ થઈ!

અંબાલાલ પટેલના જીવન સાથે એક મોટો વિવાદ પણ જોડાયેલો છે. તેમણે માત્ર વરસાદ જ નહીં, પરંતુ એક સમયે ધરતીકંપની પણ ભયજનક આગાહી કરી હતી. તે સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર શાસનમાં હતી. અંબાલાલ કાકાની આ આગાહીને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. અફવા અને ભયનો માહોલ રોકવા માટે તત્કાલીન સરકારના આદેશથી અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.