થરાદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોની સુવિધા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓને સાંકળીને રચાયેલા નવા વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ હવે સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળશે. જેમાં આજથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
લાયસન્સ માટે દૂર નહીં જવું પડે
વાવ-થરાદ જિલ્લાના દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવેથી પોતાના વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર નહીં જવું પડે. તેમજ સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
વિવિધ સેવાઓ નવી કચેરી ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે
હવેથી વાવ-થરાદ જિલ્લાના નાગરિકો આ નવી RTO કચેરી ખાતેથી નવા વાહનની નોંધણી, વાહન માલિકી ફેરફાર, સરનામું સુધારણા, હાઇપોથેકેશન ઉમેરવું / રદ કરવું, વાહન વેરો ભરપાઈ કરવો, ફેન્સી નંબર સંબંધિત સેવાઓ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ સંબંધિત સેવાઓ તથા ઈ-ચલણ જેવી વિવિધ સેવાઓ નવી કચેરી ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે.
વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ પારદર્શિતા અને ઝડપ આવશે
આ નવી કચેરી શરૂ થવાથી વાવ-થરાદ જિલ્લાના હજારો નાગરિકોનો સમય અને નાણાં બચશે તથા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.