અમદાવાદઃ ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક પડકારો છતાં ગુજરાતે 2025-26માં ભારતના ટોચના નિકાસકાર તરીકેનો તાજ જાળવી રાખ્યો હતો. દેશના કુલ વિદેશી વેપારમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા કરતાં પણ વધુ રહ્યો હતો. મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું.
નિકાસમાં ગુજરાતનો કેટલો છે હિસ્સો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન $110.63 અબજની નિકાસ નોંધાવી હતી, જે ભારતના કુલ નિકાસના 25.6% હિસ્સો છે. રાજ્ય આ યાદીમાં બીજા ક્રમે રહેલા મહારાષ્ટ્ર કરતાં ઘણું આગળ રહ્યું હતું.. મહારાષ્ટ્ર $70 અબજની નિકાસ અને રાષ્ટ્રીય નિકાસમાં 16.2% હિસ્સા સાથે બીજા ક્રમે રહ્યું હતું.
ગુજરાતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હોવા છતાં, 2024-25ની સરખામણીમાં વાર્ષિક ધોરણે નિકાસમાં 4.9%નો ઘટાડો નોંધાયો છે. સૂત્રોએ આ ઘટાડા માટે મુખ્યત્વે અગ્રણી આંતરરાષ્ટ્રીય બજારોમાં ટેરિફ સંબંધિત પડકારો અને મુખ્ય નિકાસ કોમોડિટીઝના નરમ ભાવોને જવાબદાર ગણાવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને નેચરલ ડાયમંડના ભાવમાં નરમાઈના કારણે ગુજરાતમાંથી નિકાસ પર અસર થઈ છે.
ગુજરાતની લાંબા ગાળાની માળખાકીય મજબૂતી
સૂત્રોએ જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ગુજરાતે જાળવી રાખેલો દબદબો રાજ્યના લાંબા ગાળાના માળખાકીય ફાયદાઓને પ્રતિબિંબિત કરે છે. મુખ્ય નિકાસકાર રાજ્યોના રેન્કિંગમાં ગુજરાત ટોચ પર રહ્યું હતું. અહીંની સાહસિકતા, ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિઓ અને પોર્ટ કનેક્ટિવિટીએ તેને વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉદ્યોગ નિષ્ણાતોના મતે, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ગુજરાતના નિકાસ પ્રદર્શનને મજબૂતી આપે છે. જામનગર રાજ્યનો સૌથી મોટો નિકાસ કરતો જિલ્લો રહ્યો છે, ત્યારબાદ અમદાવાદ, સુરત અને કચ્છનો નંબર આવે છે, જે રિફાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને પોર્ટ-આધારિત લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ છે.
ગુજરાતની નિકાસની મુખ્ય પ્રોડક્ટ્સ
પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપરાંત ગુજરાતની નિકાસની યાદીમાં મોતી અને કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, સિરામિક્સ અને એગ્રોકેમિકલ્સ, લોખંડ અને સ્ટીલના ઉત્પાદનોનો મુખ્ય છે.
ઇકોસિસ્ટમ અને ઉત્પાદન હબનો વિકાસ
આ ઉપરાંત સૂત્રોના જણા પ્રમાણે, રાજ્યનું રિફાઈનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિકાસ માટે મહત્વનું ચાલકબળ રહ્યું છે. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી તેમજ નાયરા એનર્જી અને IOCનો કોયલી પ્લાન્ટ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દહેજ અને વડોદરા ખાતે પેટ્રોકેમિકલ હબમાં થયેલા રોકાણોએ મજબૂત ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવામાં મદદ કરી છે.
રિફાઇનિંગ ઉપરાંત, ગુજરાતે દહેજ અને વડોદરામાં પેટ્રોકેમિકલ હબ વિકસાવ્યા છે, જેણે ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોના વિકાસને વેગ આપ્યો છે. આ ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિસ્તરણને કારણે ગુજરાત તેના નિકાસ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની હાજરી મજબૂત કરવા સક્ષમ બન્યું છે. પરિણામે, રાજ્ય હવે દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વના બજારોમાં કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પ્લાસ્ટિક અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસમાં અગ્રેસર છે.
વૈશ્વિક પરિસ્થિતિ
આ ઉપરાંત સૂત્રોએ વૈશ્વિક પરિસ્થિતિ તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટેરિફ અવરોધોએ અમેરિકામાં નિકાસકારો માટે પડકારો ઉભા કર્યા છે. 2025-26માં યુએસ ટેરિફે નિકાસને અસર કરી હતી, પરંતુ નબળા રૂપિયાએ આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મકતા વધારી દીધી છે.