Sun Jun 21 2026

Logo

ગુજરાતમાં રવિવાર બન્યો 'કાળો દિવસ': વડોદરા, અમદાવાદ અને પંચમહાલમાં ગમખ્વાર અકસ્માતો, 5 ના મોત

2026-06-21 21:57:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં આજનો દિવસ અકસ્માતોનો દિવસ રહ્યો હતો. વડોદરા, અમદાવાદ, પંચમહાલ જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતના બનાવો બન્યા હતા. આજે સાંજે અમદાવાદ-ધોલેરા હાઇવે પર કરિયાણા ગામ નજીક એક અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં અમદાવાદથી ભાવનગર તરફ જઇ રહેલી ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં એક મુસાફરનું મોત થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે આ બનાવમાં 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

અકસ્માતની વિગતો અનુસાર, લગભગ 25 જેટલા મુસાફરોથી ભરેલી બસ અમદાવાદથી ભાવનગર તરફ જઇ રહી હતી, તે દરમિયાન કરિયાણા ગામ નજીક પહોંચી તે સમયે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિકો દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસ, 108નો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકા ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

આ સિવાય અન્ય બનાવોની વાત કરીએ તો આજે પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે એક કાર પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે કારમાં સવાર બે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાંની સાથે રાહત બચાવની કામગીરી માટે તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તે સિવાય વડોદરા જિલ્લામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કપુરાઇ ચોકડી નજીક આજે સવારે એક કારે ટેમ્પોને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં શાકભાજીના વેપારીનું મોત થયું હતું. આ અકસ્માતનો બનાવ એટલો ગંભીર હતો કે ટેમ્પોના  બે ટુકડા થઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાંની સાથે સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય એક બનાવ અમદાવાદના SG હાઇવે પર પકવાન બ્રિજ પર એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં સોલા સાયન્સ સિટી રોડ પર રહેતા 32 વર્ષીય યુવક રાત્રે બાઇક લઈને બેગ લેવા નીકળ્યો હતો. પરંતુ રાત્રે 3 વાગ્યે પકવાન બ્રિજ પરથી તેનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર, કોઈ વાહનચાલક યુવકને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.