અમદાવાદઃ આ વખતની આઇપીએલમાં ઘણી ટીમોને શરૂઆતથી જ ખેલાડીઓની ઈજા નડી રહી છે અને એમાં ગુજરાત ટાઇટન્સનો પણ ઉમેરો થયો છે, કારણકે શુભમન ગિલના નેતૃત્વવાળી આ ટીમનો ભરોસાપાત્ર બૅટ્સમૅન ઇંગ્લૅન્ડનો ટૉમ બૅન્ટન ઈજા (injury)ને કારણે આઇપીએલની બહાર થઈ ગયો છે અને તેના સ્થાને સાઉથ આફ્રિકાના કૉન્નોર એસ્ટરહુઇઝેનને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે.
ગુજરાતના ફ્રૅન્ચાઇઝીના એક અધિકારીએ કહ્યું હતું કે `24 વર્ષના ટૉમ બૅન્ટન (Tom Banton)ને આંગળીમાં ઈજા થઈ છે અને તે આઇપીએલની બહાર થઈ ગયો છે. એસ્ટરહુઇઝેને તાજેતરમાં જ ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા વતી આંતરરાષ્ટ્રીય ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.'
GT
તાજેતરમાં કિવીઓ સામેની સિરીઝમાં એસ્ટરહુઇઝેને પાંચમાંથી બે મુકાબલામાં 57 રન અને 75 રનની ઇનિંગ્સ રમીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. એ બે મૅચમાં તેણે કુલ નવ સિક્સર અને બાર ફોર ફટકારી હતી. સાઉથ આફ્રિકાએ એ શ્રેણી 3-2થી જીતી લીધી હતી અને એસ્ટરહુઇઝેન મૅન ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.
ગુજરાત ટાઇટન્સે એસ્ટરહુઇઝેને 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે. તેણે કિવીઓ સામેની સિરીઝમાં કાઇલ જૅમીસન અને જેમ્સ નીશૅમ જેવા પીઢ બોલર્સનો સફળતાથી સામનો કર્યો હતો.