સુરત: ગુજરાતના સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભારે નુકસાન થયું છે. તેમજ કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં વરસાદ અને પૂરને કારણે કુલ 47 લોકોના મોત થયા છે. આમાંથી 43 લોકોના મોત સુરત શહેરમાં થયા છે જ્યારે ચાર લોકોના મોત સુરતના ગ્રામીણ વિસ્તારમાં થયા છે.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર રાહત અને સફાઈ કામગીરી ઝડપથી ચાલી રહી છે.
ટીમોને તત્કાલ સર્વેની કામગીરીના હુકમ
સુરત શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાના વિસ્તારોમાં ખાડીપૂર, પાણી ભરવાના કારણે થયેલ માનવ મૃત્યુ તેમજ સ્થાવર જંગમ મિલકતને થયેલ નુકસાન સામે કેશડોલ્સ, ઘરવખરી, કપડાની સહાય આપવા માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સર્વે અંગેની કામગીરી તાત્કાલિક હાથ ધરીને પુર્ણ કરી શકાય તે અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 227 જેટલા કર્મયોગીઓની 41 ટીમો ગઠિત કરી આ ટીમોને તત્કાલ સર્વેની કામગીરીના હુકમ કરવામાં આવ્યા છે.

કેશ ડોલ્સ વિતરણ કરાયું
આ ટીમના સભ્યોએ ફાળવેલા તાલુકાઓના મામલતદારોના સંપર્કમાં રહી કામગીરીની શરૂઆત કરી છે. બપોર સુધીમાં કતારગામ, પુણા, મજુરા, અબ્રામા, ઉધના તાલુકા વિસ્તારમાં 701 અસરગ્રસ્તોને રૂપિયા 11 લાખની કેશ ડોલ્સ વિતરણ કરાયું હતું. જયારે 484 અસરગ્રસ્તોને રૂપિયા 24.20 લાખની ઘરવખરી સહાયની ચુકવણી કરવામાં આવી છે. જેમ સર્વે પુર્ણ થઈ રહ્યો છે તેમ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
અધિકારી-કર્મચારીઓ દ્વારા સર્વે
આ ઉપરાંત લિબાયત વિસ્તારના રતનજીનગર, મઝદા પાર્ક--2 સહિતની સોસાયટીઓમાં જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા સહિતના અધિકારી-કર્મચારીઓ દ્વારા સર્વે કરીને કેશડોલ્સ સહાયનું વિતરણ કરાયું હતું.
સિઝનનો 50 ટકા વરસાદ માત્ર ત્રણ દિવસમાં પડ્યો
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરત શહેરમાં સિઝનનો 50 ટકા વરસાદ માત્ર ત્રણ દિવસમાં પડ્યો હતો. તેમજ ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ડૂબી ગયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત | Harsh Sanghvi Surat | Mumbai Samachar #HarshSanghvi #SuratRain #GujaratNews #MumbaiSamachar #SuratNews #PublicSafety #GovernmentSupport #cmogujarat #gujaratpolice pic.twitter.com/Y8Dxkl18E7
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 10, 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિસ્થિતિની સમીક્ષા કરી
આ ઉપરાંત ભારે વરસાદને કારણે સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ અને ઉદ્યોગોના પરિસરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના અનુસંધાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાંડેસરા સ્થિત મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા કમેલા દરવાજા સ્થિત મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટના અસરગ્રસ્ત ઔદ્યોગિક એકમોના વેપારીઓની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.