સુરતઃ રાજ્યમાં સિંગરોના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર સિંગરે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા. મળતી વિગત પ્રમાણે, પાટીદાર સિંગરે મોચી યુવક સાથે લગ્ન કરતાં વિવાજ શરૂ થયો હતો. મોચી યુવક મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ હોવાથી બંને ઘણા પ્રસંગોમાં સાથે જતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. સોશિયલ મીડિયા પર પાટીદાર અગ્રણીએ રોષ ઠાલવીને ગાયિકા અને પતિનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
સુરતના પાટીદાર સમાજની લોકગાયિક રિદ્ધિ રાજપરાએ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જયેશ વાઘેલા મોચી સમાજમાંથી આવે છે અને મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ છે. થોડા સમય પહેલા પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પણ તબલા પ્લેયર દેવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. આમ સુરતમાં વધુ એક પાટીદાર સિંગરે આંતરજ્ઞાતીય લગ્ન કરતાં સમાજના આગેવાનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
આ અંગે પાટીદાર અગ્રણી હિરેન ભેંસાણીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, પાટીદાર સમાજને ફરી એકવાર વિનંતી કરું છું કે, આગળ જેવી રીતે સપોર્ટ કર્યો હતો એવી જ રીતે આ બાબતમાં સપોર્ટ કરજો. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે.. પાટીદારની દિકરી ભગાડી જાવ અને પાટીદાર નામ પર દંધો કરો. છોકરીનું નામ છે રીધી રાજપરા (પાટીદાર). છોકરાનું નામ છે જયેશ વાઘેલા (મોચી). 20-05-2026ના રોજ ભગાડીને લઈ ગયો છે. એટલે તમામ સિંગરો, લગ્ન ગીત વાળા, રિધમ વાળાને આ બેય ને કોઈ પાટીદાર સમાજના સ્ટેજ પર બુક કરવા નહીં વિનંતી.
હિરેન ભેંસાણીયાએ જણાવ્યું કે, 20 મેના રોજ જ્યારે આ બંને ભાગી ગયા ત્યારે તેમણે તરત જ રિદ્ધિના પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારેબાદ છોકરો અને છોકરી તેમની ઓફિસે આવ્યા હતા. તેમણે રિદ્ધિને સમજાવી હતી કે પરિવાર તને સ્વીકારવા તૈયાર છે, તું માન સન્માન સાથે ઘરે પાછી ફરી જા. તેમણે યુવકને પણ છોકરીની કારકિર્દી બગડે નહીં તે માટે છોડી દેવા સમજાવ્યો હતો. આ ઉપરાંત પાટીદાર અગ્રણીએ કહ્યું, જે દીકરીએ ક્યારેય માતા-પિતાનું માથું નીચું નહીં થવા દેવાનો ભરોસો આપ્યો હતો તેણે જ આવું પગલું ભરતાં માતા-પિતા ભારે આઘાતમાં છે અને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.
તાજેતરમાં કિંજલ રબારીના પતિને આપી હતી ધમકી
પાટણના અશોક ચૌધરી અને કિંજલ રબારીએ વર્ષ 2021ના પ્રેમ સંબંધ બાદ 2 મે, 2024ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. કિંજલનો પરિવાર આ લગ્નથી ખુશ ન હોવાથી વાત છૂટાછેડા સુધી પહોંચી હતી અને કોર્ટમાં કેસ ચાલતો હતો. કિંજલના પરિવાર તરફથી અશોક પર છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી.
15 જૂન, 2026ના રોજ અશોક કોર્ટની મુદ્દત પતાવીને તેના મિત્રો સાથે કારમાં મહેસાણા પાછો ફરી રહ્યો હતો ત્યારે બનાસ નદીના પુલ નજીક બે ગાડીઓએ તેમની કારને ટક્કર મારીને રોકવાનો પ્રયાસ કર્યો. કારમાંથી કિંજલના પરિવારના બે માણસો વિનોદ રબારી અને પ્રકાશ રબારી હાથમાં છરો લઈને નીચે ઉતર્યા અને અશોકને જો ફરી અહીં દેખાયો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી. અશોકના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી ગાડી ભગાડી મૂકતા બધાનો બચાવ થયો હતો. આ મામલે અશોકે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કિંજલ દવે પણ આવી હતી ચર્ચામાં
ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય સગાઈ કરી હતી. જે બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેને ન્યાત બહાર કરી હતી. જે બાદ કિંજલે સમાજ સામે બંડ પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પછી કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને માલદીવમાં ધ્રુવિન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી.
ગુજરાતી સિંગર કાજલ મહેરિયાએ કર્યા પ્રેમ લગ્ન
બેવફા સોંગ ક્વીન તરીકે ઓળખાતી કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લેતા તેના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમાજને મદદ માટે વિનંતી કરી હતી. કાજલ મહેરિયાના પરિવારનો દાવો છે કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં સામાજિક મર્યાદાઓનો ભંગ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ છૂટાછેડાની અરજી થઈ હતી. કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને જ્યારે નોટિસ મળી ત્યારે નકલી છૂટાછેડાનો પર્દાફાશ થયો હતો.