Thu Jul 23 2026

Logo

ગુજરાતથી ગોકુળ-મથુરા જવું છે તો કન્ફર્મ ટિકિટનું ટેન્શન ખતમ! સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો, ક્યાંરથી શરૂ થશે બૂકિંગ?

2026-07-11 16:24:58
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતથી જો તમે રાજસ્થાનના ટુરિસ્ટ પ્લેસ અને ગોકુળ મથુરા જવાનું વિચારી રહ્યા છો પણ રેલવેની કન્ફર્મ ટિકિટ તમારા માટે એક ચિંતા છે તો સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે હવે ગુજરાતથી જ રાજસ્થાનના જોધપુર, જયપુર અને મથુરાને જોડતી સ્પેશિયલના ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે. જેનો લાભ પ્રવાસના રસિયા અને વૈષ્ણવોને મળી રહેવાનો છે. 

મળતી વિગતો અનુસાર, રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર છે. કારણ કે મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 05046/05045 રાજકોટ–લાલકુઆં સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલના 11-11 વધારાના ફેરા લંબાવવામાં આવ્યા છે.  

રેલવેના જણાવ્યા અનુસાર, 05046 રાજકોટ–લાલકુઆં ટ્રેનના 20 જુલાઈથી 28 સપ્ટેમ્બર, 2026 સુધી  તેમજ 05045 લાલકુઆં–રાજકોટ ટ્રેનના 19 જુલાઈથી 27 સપ્ટેમ્બર, 2026 સુધી  ફેરા લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે બુકિંગ 11 જુલાઈ, 2026થી તમામ PRS કાઉન્ટરો તેમજ IRCTC પર ઉપલબ્ધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી પ્રજા માટે રાજસ્થાન ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. વેકેશન કે રજાના દિવસોમાં ગુજરાતીઓ રાજસ્થાનમાં આબુ, જોધપુર, જેસલમેર, ઉદેપુરમાં ધામા નાખતા હોય છે, પરંતુ જોધપુર તરફ જતી ટ્રેનની ફ્રિક્વન્સી ઓછી હોવાથી કન્ફર્મ ટિકિટની એક મોટી માથાકૂટ રહેતી હોય છે, જો કે હવે રાજસ્થાનમાં ફરવા જવું હશે તો કન્ફર્મ ટિકિટ મળી રહેશે. કારણ કે અમદાવાદથી રાજસ્થાન તરફની એક નવી ટ્રેનની શરૂઆત થવાની છે. 

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રાજસ્થાન તરફ એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરમતી અને લાલગઢ વચ્ચે એક નવી ડેઇલી ટ્રેન સેવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 19407 (સાબરમતી-લાલગઢ) તારીખ 22 જૂનથી દરરોજ સાંજે 17:55  કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08:10 કલાકે લાલગઢ પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે ટ્રેન નંબર 19408 (લાલગઢ-સાબરમતી) તારીખ 23 જૂનથી દરરોજ રાત્રે 21:05 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 11:30 કલાકે સાબરમતી પરત ફરશે.