અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ જામી રહ્યો છે. રાજ્ય પર હાલમાં લૉ પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્કુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોનસૂન ટ્રફ એમ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં એક તાલુકામાં 2 ઇંચથી વધારે, 8 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે 103 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ, સુરતના કામરેજમાં 1.81 ઇંચ, કચ્છના રાપરમાં 1.69 ઇંચ, સુરતના માંગરોળમાં 1.50 ઇંચસ સુરતના બારડોલીમાં 1.50 ઇંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 1.30 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 1.22 ઇંચ, મોરબીના ટંકારામાં 1.18 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 1.14 ઇંચ વરસાદ વસ્યો છે.
સુરતના અરેઠમાં 0.94 ઇંચ, બોટાદના બરવાળામાં 0.91 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 0.83 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 0.71 ઇંચ, અમદાવાદના સાણંદમાં 0.71 ઇંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 0.67 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 0.67 ઇંચ, કચ્છના ભચાઉમાં 0.63 ઇંચ, અમરેલીની લીલીયામાં 0.63 ઇંચ, ભાવનગરના પાલિતાણામાં 0.63 ઇંચ, અમરેલીના લાઠીમાં 0.51 ઇંચ વરસાદ વરસ્યો હતો. 94 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગ મુજબ, આજથી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 20, 21 અને 22 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, 26થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે.