અંમદાવાદઃ રાજ્ય પર સર્જાયેલી પાંચ જેટલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માંગરોળમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે છતાં હજુ સિઝનનો માત્ર 8 ટકા વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર સરેરાશ 8.46 ટકા વરસાદ નોંધાયો છે. 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57 ટકા વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે અલ નીનોના કારણે વરસાદની ઘટ પડી છે.
એક પણ તાલુકામાં 1000 મિમીથી વધુ વરસાદ નહીં
રાજ્યમાં અત્યાર સુધીમાં 129 તાલુકામાં 0-50 મિમી, 68 તાલુકામાં 51-125 મિમી, 37 તાલુકામાં 126-250 મિમી, 16 તાલુકામાં 251-500 મિમી, 1 તાલુકામાં 501-1000 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યના એક પણ તાલુકામાં 1000 મિમીથી વધારે વરસાદ નોંધાયો નથી.
સિઝનમાં કચ્છમાં સૌથી ઓછો વરસાદ
રાજ્યમાં રીઝીયન વાઇઝ વરસાદના આંકડા જોઈએ તો કચ્છમાં 2 મિમી (0.40 ટકા), ઉત્તર ગુજરાતમાં 29.98 મિમી (4.10 ટકા), પૂર્વ - મધ્યમાં 62.04 મિમી (7.58 ટકા), સૌરાષ્ટ્રમાં 76.63 મિમી (10.45 ટકા) અને દક્ષિણ ગુજરાતમાં 160.24 મિમી (10.39) વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76.92 મિમી (8.46 ટકા) વરસાદ પડ્યો છે. 1996થી 2025 સુધીના આંકડા જોઈએ તો કચ્છમાં 500 મિમી, ઉત્તર ગુજરાતમાં 730 મિમી, પૂર્વ-મધ્યમાં 819 મિમી, સૌરાષ્ટ્રમાં 762 મિમી તથા દક્ષિણ ગુજરાતમાં 1542 મિમી વરસાદ નોંધાયો હતો.
વરસાદથી કેટલા રોડ રસ્તા બંધ
રાજયમાં વરસાદના કારણે 4 સ્ટેટ હાઇવે, 7 અન્ય માર્ગો, 36 પંચાયત હસ્તકના માર્ગો, 1 નેશનલ હાઇવે મળી કૂલ 48 રોડ રસ્તા બંધ છે. જેમાં ખેડામાં 1 સ્ટેટ હાઈવે, સુરતમાં પંચાયત હસ્તકના 1, નવાસારી અને વલસાડમાં પંચાયત હસ્તકના 10 અને 14, ડાંગ તથા ભાવનગરમાં પંચાયત હસ્તકના 1-1 રોડ રસ્તાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે, 12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 12.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ પડ્યો હતો. 12 ઇંચથી વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કેશોદમાં 10.94 ઇંચ, પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ, માળિયા હાટીનામાં 9.13 ઇંચ, માણાવદરમાં 9.06 ઇંચ, કડીમાં 8.86 ઇંચ, જામજોધપુરમાં 7.05 ઇંચ, કોડિનારમાં 5.98 ઇંચ, કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.