Thu Jul 23 2026

Logo

સુરતમાં 8 ઇંચ વરસાદથી પાણી જ પાણી, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

2026-07-02 08:38:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં મેઘરજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેના કારણે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 107 તાલુકામાં મેઘમહેર થઈ છે. સુરતના પલસાણામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પાણી જ પાણી થઈ ગયું હતું. હવામાન વિભાગે 7 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અંદાજે 15 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ક્યાં પડ્યો કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 107 તાલુકામાં વરસાદ પડ્યો છે. છ તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે,  બે તાલુકામાં 5 ઇંચથી વધારે,  પાંચ તાલુકામાં 4 ઇંચથી વધારે, છ તાલુકામાં 3 ઇંચથી વધારે,  12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 23 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 52 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

સુરતમાં સૌથી વધુ 

સુરતના પલસાણામાં સૌથી વધુ 7.99 ઇંચ વરસાદ પડ્યો હતો. બારડોલીમાં 7.76 ઇંચ, ઉમરગાવમાં 7.72 ઇંચ, મહુવામાં 7.52 ઇંચવાપીમાં 7.44 ઇંચ, માળીયાહાટીનામાં 7.01 ઇંચ, અંબિકામાં 6.46 ઇંચ, સૂત્રાપાડામાં 5.24 ઇંચ, કેશોદમાં 5.20 ઇંચ, માંગરોળ(જૂનાગઢ)માં 4.76 ઇંચ, ઉમરપાડામાં 4.72 ઇંચ, પારડીમાં 4.45 ઇંચ, ભેંસાણમાં 4.21 ઇંચ, વાલોડમાં 4.02 ઇંચ, વ્યારામાં 3.62 ઇંચ, પાટણ-વેરાવળમાં 3.35 ઇંચ, લોધિકામાં 3.35 ઇંચ, સાગબારમાં 3.27 ઇંચ, વલસાડમાં 3.19 ઇંચ, ગણદેવીમાં 3.03 ઇંચ, નવસારીમાં 2.91 ઇંચ, ખેરગામમાં 2.87 ઇંચ, ગોંડલ 2.83 ઇંચ, વાંસજામાં 2.64 ઇંચ, જલાલપોરમાં 2.60 ઇંચ, જૂનાગઢમાં 2.48 ઇંચ, જૂનાગઢ શહેરમાં 2.48 ઇંચ, જામકંડોરણામાં 2.48 ઇંચ, ચીખલીમાં 2.20 ઇંચ, ડોલવણમાં 2.13 ઇંચ, બગસરામાં 2.05 ઇંચ, રાજુલામાં 1.77 ઇંચ, કોટડા સાંગાણીમાં 1.73 ઇંચ, પાદરામાં 1.69 ઇંચ, વઘઈમાં 1.65 ઇંચ, સુબીરમાં 1.57 ઇંચ, અમરેલીમાં 1.57 ઇંચ, ધંધુકામાં 1.54 ઇંચ, કલોલમાં 1.42 ઇંચ, ધોરાજીમાં 1.38 ઇંચ, ચીખદામાં 1.30 ઇંચ, ઓલપાડામાં 1.22 ઇંચ, માણાવદરમાં 1.22 ઇંચ, કુંકાવાવ વડીયામાં 1.18 ઇંચ, વંથલીમાં 1.14 ઇંચ, નસવાડીમાં 1.10 ઇંચ, નેત્રંગમાં 1.06 ઇંચ, તિલકવાડામાં 1.06 ઇંચ, જેતપુરમાં 1.06 ઇંચ, હાંસોટમાં 1.02 ઇંચ, ઉનામાં 1.02 ઇંચ, તાલાલામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

આજે  દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ખાતે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આવતીકાલથી  7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે.