Fri Jun 12 2026

Logo

ગુજરાતમાં ડિજિટલ સુરક્ષા માટે ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા વિચારણા

2026-06-12 17:51:48
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતના સુરક્ષા માળખાને ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી  વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા.

મિશન બેટર પોલિસિંગ' જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા 

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરો, રેન્જ આઇ.જી., જિલ્લા પોલીસ વડાઓ તેમજ તમામ પોલીસ યુનિટના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. આ બેઠકમાં કાયદો-વ્યવસ્થા, ગુના નિયંત્રણ, નાગરિકોની ફરિયાદોનું નિવારણ, પોલીસ ફોર્સની ફિટનેસ અને 'મિશન બેટર પોલિસિંગ' જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો

આ કોન્ફરન્સમાં મહત્વનો એક મુદ્દો લોકભાગીદારી દ્વારા રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને સુદ્રઢ કરવાનો હતો. જિલ્લા પોલીસ વડા જી. એસ. મલિકે ખાનગી ધોરણે લાગેલા CCTV કેમેરાને પોલીસ મોનિટરિંગ સિસ્ટમ સાથે લિંક કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ-ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા 

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતા રાજ્યના પોલીસ વડાએ અધિકારીઓને 'પ્રોએક્ટિવ પોલિસિંગ' કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાની ફરિયાદોનું ઝડપી, પારદર્શી અને સંતોષકારક નિવારણ લાવવા માટે સિસ્ટમ ને વધુ મજબૂત કરવા તાકીદ કરી હતી.

કર્મચારીઓના હેલ્થ અને ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવા એકમોના વડાઓને જણાવાયું

ગુનાખોરી અટકાવવા (Prevention),ગુનાઓનો ભેદ ઉકેલવા (Detection) અને વૈજ્ઞાનિક તેમજ સમયબદ્ધ તપાસ (Investigation) કરવા માટે ડીજીપી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ, પોલીસ દળ શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહે તે માટે કર્મચારીઓના હેલ્થ અને ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવા એકમોના વડાઓને જણાવાયું હતું.

નિર્ણયોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા કડક આદેશ

પોલીસિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત (Citizen-centric) બનાવવા માટે "મિશન બેટર પોલિસિંગ" અંતર્ગત ગઠિત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી, અને સુધારાઓનો અસરકારક અમલ કરવા દિશા-નિર્દેશો અપાયા હતા. આ બેઠકના અંતે, ડીજીપી શ્રી જી. એસ. મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, સમયમર્યાદામાં તમામ નિર્ણયોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા હતા.

વ્યાજખોરો વિરૂદ્ધ કડક ઝુંબેશ ચાલુ રાખવા આદેશ 

આ ઉપરાંત પ્રજાની સુખાકારી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાજખોરો વિરૂદ્ધ કડક ઝુંબેશ ચાલુ રાખવા, અસામાજિક તત્વો વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી કરવા, ગેરકાયદે દબાણો હટાવવા તેમજ એફઆઈઆર બારીક વિગતો સાથે ઝડપી નોંધવા અને આરોપીની ધરપકડ ત્વરિત કરવા સહિતના કોર પોલીસિંગના મુદ્દાઓ પર ભાર મૂકવા કડક આદેશો અપાયા હતા. તેમજ પોલીસ કર્મચારીઓના કલ્યાણ અર્થે રહેણાંક પોલીસ ક્વાર્ટર્સ મંજૂર કરવાની પ્રક્રિયાને પણ વેગ આપવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.