અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા આજે ૧૨ હજારથી વધુ કોન્ટેબલની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા આજે રાજ્યના મુખ્ય શહેરોમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. શારીરિક કસોટીમાં 2 લાખ કરતાં વધારે ઉમેદવારો પાસ થયા હતા. આજે સવારે 9.30 થી બપોરે 12.30 વાગ્યા દરમિયાન યોજાયેલી 200 ગુણની MCQ આધારિત પરીક્ષા યોજાઇ હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની જગ્યાઓ માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે નહિ વધારે અઘરું કે નહિ વધારે સહેલું પણ એકંદરે સંતુલિત અને ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ચકાસનારું રહ્યું હતું. પ્રશ્નપત્રના વિષયવાર વિશ્લેષણ પર નજર કરીએ તો, ગણિત (Mathematics) અને રીઝનિંગ (Reasoning) વિભાગને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં કોડિંગ-ડીકોડિંગ , બેઠક વ્યવસ્થા (પઝલ) , લોહીના સંબંધો , નફો-નુકસાન , લ.સા.અ.-ગુ.સા.અ. , સંભાવના , અને સમય-અંતર-ઝડપને લગતા ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછાયા હતા.
આ ઉપરાંત, ઉમેદવારોની ભાષાકીય અને આકલન શક્તિની ચકાસણી કરવા માટે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ , પર્યાવરણ પ્રદૂષણ , સનદી સેવાઓ અને ગુપ્તચર સંસ્થા ‘રો’ (RAW) આધારિત લાંબા ફકરાઓ (Comprehension) મૂકવામાં આવ્યા હતા , જેના આધારે પ્રશ્નોના જવાબો શોધવાના હતા.
બીજી તરફ, સામાન્ય જ્ઞાન (GK) અને બંધારણ (Constitution) વિભાગમાં પણ પ્રશ્નોનું સ્તર ઘણું પ્રભાવશાળી જોવા મળ્યું હતું. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો , કટોકટીની જોગવાઈઓ , સંસદીય સમિતિઓ અને ન્યાયતંત્રને લગતા પ્રશ્નો વિગતવાર પૂછવામાં આવ્યા હતા.
ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની લોકસંસ્કૃતિ , આદિવાસી મેળાઓ , ભવાઈ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ક્રાંતિકારી ઘટનાઓ જેમ કે કાકોરી ટ્રેન લૂંટ અને ભગતસિંહ પર વિશેષ ભાર મૂકાયો હતો. ભૂગોળમાં ખડકો , જ્વાળામુખી અને નદીઓ તેમજ વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો (Current Affairs) માં વર્ષ 2026ના અંદાજપત્રની જોગવાઈઓ , રાષ્ટ્રીય પુરસ્કારો અને નવીન સરકારી યોજનાઓ અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
રાજકોટમાં સ્કૂલ શોધવામાં અટવાયા પરીક્ષાર્થીઓ

જો કે ઘણી જગ્યાએ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટના એક ઉમેદવારે જણાવ્યું હતું કે રાજકોટમાં ઉમેદવારોને શહેરના કુવાડવા રોડ પરની વિસોન સ્કૂલ (VISON SCHOOL)ને શોધવામાં ખૂબ જ હાલાકી પડી હતી. કારણ કે ગૂગલ મેપ પર આ સ્કૂલના નામથી સર્ચ કરતાં એક લોકેશન શહેરના એસટી બસ પોર્ટ નજીક અને અન્ય એક લોકેશન ગોંડલ ચોકડી નજીકનું દેખાતું હતું, આથી અનેક ઉમેદવારો સવારે ગૂગલ મેપ પર દેખાડતા લોકેશન પર પહોંચ્યા હતા, જો કે ત્યાં જતાં ખબર પડી હતી કે ત્યાં આવી કોઇ સ્કૂલ નથી. જો કે બાદમાં હેલ્પલાઇન પર કોલ કરીને મદદ લેવામાં આવી હોવાનું ઉમેદવારે જણાવ્યું હતું.